જતનબાને શ્રીહરિને વિષે અનન્ય પ્રીતિ અને મમત્વભાવ હતો. પરંતુ હજુ શ્રીહરિનો જોગ-સમાગમ યથાર્થ થયો નહોતો. સત્સંગની, સમજણની શરૂઆત હતી. એ અરસામાં શ્રીહરિ ડાંગરવા પધાર્યા. જતનબાના ભાઈ ધોરી અને ધર્મદાસ બંને દેહ મૂકી ગયા હતા. તેમને સંભારીને જતનબા દુ:ખી થઈ ગયા હતા. તેઓ બંને ભાઈઓના શ્રીહરિ આગળ નામ લઈ શોક કરવા લાગ્યા. શ્રીહરિએ કહ્યું, “તેમનું આયુષ્ય આવી રહ્યું હતું તેથી દેહ મૂકી ગયા; એમાં શું શોક કરવાનો ?” જતનબાને રડતા જોઈ શ્રીહરિ તેમની સામે રડવા લાગ્યા. થોડા સમયમાં જે બે-ચાર સાધુ ધામમાં ગયા હતા તેમના નામ લઈ મહારાજ ખરખરો કરવા માંડ્યા કે, મારા આ સાધુ દેહ મૂકી ગયા.
મહારાજને રડતા જોઈ જતનબા કહે, “મહારાજ મારા ભાઈને તો તમે લઈ ગયા છો તેથી તમારી આગળ રડું છું. હું ક્યાં તમારા સાધુને લઈ ગઈ છું તો તમે મારી આગળ રડો છો ?” ત્યારે શ્રીહરિ કહે, “તમારાનો ખરખરો અને અમારાનો નહીં ?” પછી શ્રીહરિએ જતનબાને બેસાડી સાંખ્ય સમજણ દ્રઢ કરાવી. આ જગત અને જીવ-પ્રાણીમાત્ર બધું નાશવંત છે. દેહ અને દેહના સંબંધી પણ નાશવંત છે; કોઈ કાયમી નથી. માટે દેહના નાશવંતપણાનો વિચાર કરી આત્મનિષ્ઠા દ્રઢ કરાવી અમારા સિવાય દેહ-ગેહાદિકને વિષે પ્રીતિ રાખવી નહીં. શ્રીહરિના સાંખ્ય સમજણ દ્રઢ કરાવતાં દિવ્ય વચનો જતનબાના જીવ સટોસટ વણાઈ ગયા. ત્રણ દેહથી નોખું પોતાનું સ્વરૂપ સમજાયું. સાંખ્ય સમજણે જતનબાને સંસાર અને દેહ-ગેહાદિકને વિષેથી સંપૂર્ણ અનાસક્ત કરી દીધા. જતનબા અખંડ બ્રહ્મસ્થિતિમાં રાચતા અને ભજન-ભક્તિમાં મગ્ન રહેવા માંડ્યા.
સંવંત ૧૮૬૯નાં અગણોતેરા કાળમાં જતનબાએ શ્રીહરિ અને સંતો-હરિભક્તોને દુષ્કાળ ગાળવા પોતાને ગામ ડાંગરવા બોલાવ્યા હતા. એક દિવસ શ્રીહરિ ભગવતસ્વરૂપ સંબંધી કથા વંચાવતા હતા. જતનબાનો ભક્તિભાવ જોઈ શ્રીહરિ અત્યંત રાજીપો દર્શાવતા હતા.
એક દિવસ જતનબા ઉપર રાજીપો દર્શાવતા શ્રીહરિએ સભા મધ્યે તેમને ઉદ્દેશીને કહ્યું, “બાઈઓમાં સર્વશ્રેષ્ઠ એવા જતનબા તમે વેણીદાસ પટેલના પુત્રી નથી. ડાંગરવાનાં તમે વતની નથી. પટેલ તમારી જ્ઞાતિ નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનો બનેલો પંચભૂતનો દેહ એ તમે નથી. તમને અમારા સિવાય બીજું કોઈ મોહ પમાડનાર પણ નથી. તમારે માથે કાળ-કર્મનો ભય પણ નથી. હે જતનબા! તમે ‘એકમેવા દ્વિતિય બ્રહ્મ’ છો. એટલે કે અમારા સ્વરૂપ, અમારા મુક્ત છો. તમારું શરીર અને આત્મા બેયનો ક્ષેત્રજ્ઞ હું છું માટે તમને અમે અમારા ઉત્તમ મુક્તની જેમ ઉત્તમ મૂર્તિનું સુખ છતે દેહે આપશું.” શ્રીહરિની આવી સાંખ્ય સમજણ અને ઉત્તમ આત્મનિષ્ઠા દૃઢ કરાવતી વાતો સાંભળી જતનબા અત્યંત રાજી થયા. પોતે તો મહારાજના અનાદિમુક્ત જ હતા છતાં અનંત મુમુક્ષુઓને શિખવવા જાણે તેમને શ્રીહરિના સમાગમે આત્મનિષ્ઠા અતિ બળવાન થતી હોય તેવું દર્શાવતા.
દુષ્કાળમાં જતનબા પોતાની આત્મનિષ્ઠા વધુ ને વધુ દ્રઢ કરવા પ્રયત્ન કરતા છતાં અનંતના હિત માટે જતનબાએ મહારાજને પ્રાર્થના કરી કે, “હે મહારાજ આપ તો અનંત જીવોના કલ્યાણનાં અર્થે જ આ બ્રહ્માંડમાં પધાર્યા છો. અનંત જીવ-પ્રાણીમાત્રનું પોષણ કરનારા પણ આપ જ છો. અનંતકોટિ બ્રહ્માંડમાં આપના સિવાય કોઈ કર્તા નથી; માટે હવે કૃપા કરી વરસાદ વરસાવો અને અનંત જીવને સુખિયા કરો.”
જતનબાની પ્રાર્થના સાંભળી શ્રીહરિ અત્યંત રાજી થઈ ગયા અને એ જ રાત્રિએ ખૂબ વરસાદ વરસાવી પાણીની રેલમછેલ કરી દીધી.
એક વખત જતનબા બાઈઓ સાથે શ્રીહરિનાં દર્શન, સેવા ને સમાગમનો લાભ લેવા ગઢપુર પધાર્યાં હતાં. શ્રીહરિ જીવાખાચારની વાડીએ ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા. જતનબા આદિક બાઈઓએ નજીક આવી શ્રીહરિનાં દર્શન કર્યાં. શ્રીહરિએ જતનબાની આત્મનિષ્ઠાની પરીક્ષા કરતા પૂછ્યું, “તું કોણ છે ?” ત્યારે જતનબાએ બે હાથ જોડી કહ્યું, “હે મહારાજ! હું તો ત્રણ દેહથી નોખો આત્મા અને તમારી મુક્ત છું.” ત્યારે શ્રીહરિએ કહ્યું, “તો જતનબા, તમારા દેહને કોઈ બાળે-કાપે તો શું થાય?” ત્યારે ખુમારી પૂર્વક જવાબ આપતા જતનબાએ કહ્યું, “ભલેને બાળે, કાપે. મારે અને દેહને શું લેવા દેવા ?” આજે પ્રભુ પોતાના ભક્તની ખરેખરી આત્મનિષ્ઠાની કસોટી કરવા તત્પર બન્યા. મહારાજે જતનબાનો હાથ ઝાલી હથેળીમાં સળગતા દેવતા મૂક્યા પછી તેમની સામું જોઈ રહ્યાં અને પૂછ્યું, “કેમ છે?” ત્યારે જતનબા કહે, “બળે છે તો દેહ બળે છે. મારે ને દેહને કોઈ સહિયારો નથી.” જતનબાની આવી શૂરવીરતા અને આત્મનિષ્ઠા જોઈ શ્રીહરિ અતિશે રાજી થઈ ગયા અને તુરત હાથ ઉપરથી દેવતા નીચે ફેંકી દીધા. જતનબાની આવી સ્થિતિ જોઈ શ્રીહરિએ જતનબાની ખૂબ પ્રશંસા કરી.
સંવત ૧૮૬૮માં શ્રીહરિએ સારંગપુરમાં રાઠોડ ધંધાલને ત્યાં પુષ્પદોલોત્સવ કર્યો હતો. જેમાં દેશોદેશના હરિભક્તો સંઘે સહિત મહારાજનો લાભ લેવા આવ્યા હતા. પૂનમનો ચંદ્ર સોળે કળાએ ખીલી રહ્યો હતો. શ્રીહરિ ઢોલિયા ઉપર સભા મધ્યે બિરાજમાન હતા. આજે શ્રીહરિની ર્દષ્ટિમાં બાઈ હરિભક્તો ઉપર વિશેષ રાજીપો વરસતો હતો. શ્રીહરિએ કહ્યું, “આજે અમો તમારી ઉપર ખૂબ પ્રસન્ન છીએ; માટે તમારે જે જોઈએ તે માંગો.”
શ્રીહરિનો રાજીપો જોઈ ત્યાં બેઠેલા સૌરાષ્ટ્ર આદિક દેશના બાઈ હરિભક્તોએ માંગ્યું કે, “મહારાજ! આવા ઉત્સવ-સમૈયાથી ઘણો સમાસ થાય છે. માટે વર્ષોવર્ષ આવા સમૈયા કરો. આપની સેવા કરવાનું ખૂબ બળ આપો.” કેટલાકે મહારાજના સ્વરૂપમાં અખંડ વૃતિ રહે તેમ માંગ્યું. કેટલીક બાઈઓએ ધાણી, ખજૂર અને દાળિયાના હુતાસણીના ફગવા માંગ્યા. પછી ઉત્તર ગુજરાતની બાઈઓનો વારો આવ્યો.
ઉત્તર ગુજરાતની બાઈઓમાં જતનબા મુખ્ય હતા. તેઓ બોલવામાં પાવરધા અને હોશિયાર હતા. તેથી તેમણે મહારાજ સાથે પાકું કરતા પૂછ્યું, “મહારાજ! અમે જે માંગીએ તે તમારે આપવું પડશે; આપશો ને?” ત્યારે શ્રીહરિએ અતિશય રાજી થકા કહ્યું, “માંગો માંગો જે તમે માંગશો તે અમે દઈશું.”
“ત્યારે રાજ કહે રાજી છૈયે, માંગો મન માંગ્યું અમે દઈએ;
ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માંગીએ નાથ.”
આધ્યાત્મિક માર્ગમાં માયા થકી પર થઈ નિર્વિઘ્ને ભક્તિ કરી શકાય તેવી અદ્દભુત પ્રાર્થના જતનબા આદિક બાઈઓ શ્રીહરિને કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આવી અદ્દભુત પ્રાર્થના હજુ સુધી કોઈએ કરી નહોતી. તેમની પ્રાર્થનાથી રાજી થઈ શ્રીહરિએ સદ્દ. નિષ્કુળાનંદ સ્વામીને તેને શબ્દોમાં કંડારવાની આજ્ઞા કરી કે જેથી સૌ આવી પ્રાર્થના કરતા અને માંગતા શીખે. સદ્દ. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણિના ૬૪મા પ્રકરણમાં આ પ્રાર્થનાને આવરી લીધી છે. જે અમર પ્રાર્થના સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય પ્રત્યે સાંજના સમયે થાય છે. જેનાં શબ્દો છે.
“મહાબળવંત માયા તમારી, જેણે આવરિયાં નરનારી;
એવું વરદાન દીજિયે આપે, એહ માયા અમને ન વ્યાપે....
વળી તમારે વિષે જીવન, ના’વે મનુષ્યબુદ્ધિ કોઈ દન;
જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ....
સત્સંગી જે તમારા કહાવે, તેનો કે’દિ અભાવ ન આવે;
દેશ કાળ ને ક્રિયાએ કરી, કે’દિ તમને ન ભૂલીયે હરિ....
કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ;
તમને ભજતાં આડું જે પડે, માગિયે અમને નવ નડે....
એટલું માગિયે છૈયે અમે, દેજ્યો દયા કરી હરિ તમે;
વળી ન માગિયે અમે જેહ, તમે સુણી લેજ્યો હરિ તેહ....
કે’દિ દેશો મા દેહાભિમાન, જેણે કરી વિસરુ ભગવાન;
કે’દિ કુસંગનો સંગ દેજ્યો, અધર્મ થકી ઉગારી લેજ્યો....
કે’દિ દેશો મા સંસારી સુખ, દેશો મા પ્રભુ વાસ વિમુખ;
દેશો મા પ્રભુ જક્ત મોટાઈ, મદ મત્સર ઈર્ષ્યા કાંઈ....
દેશો મા દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ;
દેશો મા હરિજનાનો અભાવ, દેશો મા અહંકારી સ્વભાવ....
દેશો મા સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય;
એ આદિ નથી માગતા અમે, દેશો મા દયા કરીને તમે....
પછી બોલીયા શ્યામસુંદર, જાઓ આપ્યો તમને એ વાર;
મારી માયામાં નહિ મૂંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ....
મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમજશો સદા અદોષ;
એમ કહ્યું થઈ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત....
દીધા દાસને ફગાવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા.
બાઈઓની પ્રાર્થનાથી અતિશય રાજી થઈ શ્રીહરિએ કહ્યું, “જાવ, તમે જે માંગ્યું તે અમે રાજી થઈ આજના ફગવા રૂપે આપીએ છીએ. આમ, જતનબા પ્રસંગોપાત્ત શ્રીહરિનો અપાર રાજીપો સહજમાં મેળવી લેતા.
જતનબા સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્ત્રી પાત્રોમાં અવલ્લ સ્થાન ધરાવતાં હતાં. શ્રીહરિ પણ જતનબાને વશ વર્તતા. તેમના પ્રેમને વશ થઈ શ્રીહરિ ૩૨-૩૨ વખત ડાંગરવા પધારી મોટા મોટા સમૈયા-ઉત્સવો કર્યા હતા. અનંત જીવોના મોક્ષના સદાવ્રત તેમના ઘરેથી ખુલ્લા મૂકતા. બાઈ હરિભક્તોને પણ મહારાજને રાજી કરવાની અનોખી રીત જતનબા શિખવાડતા.
એક વખત ડાંગરવા આદિક ગામોમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. મરકીના રોગનું નિમિત્ત કરી શ્રીહરિએ જતનબાને દર્શન આપી પોતાની દિવ્ય મૂર્તિના સુખભોક્તા કર્યા હતા. શ્રીહરિ જતનબાને ધામમાં લેવા આવ્યા હતા. તેનાં દર્શન તેમના સગાં-સંબંધીઓ અને ગામલોકોને પણ થયા હતા. સૌના અંતરમાં જતનબા પ્રત્યેનો અહોભાવ અને મહિમા છલકાતો હતો.
જતનબાનાં દિવ્યજીવનમાંથી મહારાજને રાજી કરવાની દિવ્ય રીત શીખીએ અને એમના જેવી પ્રેમલક્ષણા ભક્તિ કેળવીએ એ જ એમના દિવ્યજીવનને માણ્યાની ફલશ્રુતિ છે.
|