Essay
 
મુક્તરાજ જતનબા – ૩
Date : 2014-02-21
 

          શ્રીહરિ ડાંગરવામાં ગુપ્તવાસમાં રહી કરજીસણથી આદરજ પધાર્યા હતા. આદરાજમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવ કરી ત્યાંથી વળતાં શ્રીહરિ સીધા ડાંગરવા પધાર્યા. અગાઉથી કોઈ સમાચાર આપ્યા વિના શ્રીહરિ જતનબાના ઘેર પધાર્યા. એ વખતે જતનબા પાણી ભરવા ગયાં હતાં. તેથી ઘરમાં કોઈ નહોતું. શ્રીહરિને ખૂબ ભૂખ લાગી હતી તેથી તેઓ ઘરમાં બધું ફંફોસવા લાગ્યા પરંતુ કશું મળ્યું નહીં. રસોડામાં ઊંચું જોયું તો શીકામાં એક દૂધનું દોણું ભરેલું લટકતું હતું. શ્રીહરિએ ઉપર ચડી દૂધનું દોણું ઉતાર્યું અને સીધું દોણું મોઢે માંડી દૂધ ધરાવવા માંડ્યું. થોડું પ્રસાદીનું દૂધ પાર્ષદોને પણ આપ્યું.

          થોડી વારમાં તો જતનબા પાણી ભરીને આવ્યાં. તેઓ ઘરમાં શ્રીહરિને બેઠેલા જોઈ અતિઆશ્ચર્ય પામ્યાં. આનંદવિભોર થઈ ગયાં અને શ્રીહરિ ક્યાંથી પધાર્યા તેની પૂછતાછ કરવા માંડી. શ્રીહરિએ બધું દૂધ ધરાવીને દૂધનું દોણું ખાલી કરેલું તે જાણી તેઓ અતિશય રાજી થઈ ગયાં.

          જતનબાએ બ્રહ્મચારીને વિનંતી કરી કે, “આપ ઝટપટ રસોઈ બનાવો અને મહારાજ જમાડીને પછી અહીંથી પધારે એવું કરો.” શ્રીહરિએ જતનબાને કહ્યું અમારે જમાડવાનું કરજીસણ છે. પરંતુ દૂધ ધરાવી અમે તમારો સંકલ્પ પૂરો કર્યો માટે એમાં રાજી રહેજો. છતાંય જતનબા વિનય-વચને મહારાજને પ્રાર્થના કરતાં રહ્યાં. પરંતુ મહારાજની મરજી ના જણાતાં અતિશે આગ્રહ કર્યો નહિ.

શ્રીહરિ ડાંગરવામાં જતનબાના ઘેર પધાર્યા છે એવા સમાચાર મળતાં ગામના અગરાજી, અમરાજી આદિક હરિભક્તોની જતનબાના ઘેર ભીડ જામી ગઈ. સૌએ શ્રીહરિની પૂજા કરી રાજી કર્યા.

**************************

          એક વખત શ્રીહરિ ઉત્તર ગુજરાતમાં વિચરણ અર્થે પધારતા હતા. વાટ ખૂબ લાંબી હતી અને રસ્તામાં જ સાંજ ઢળી ગઈ. વાટમાં એક સ્થળે ઉતારા-પાણીની સગવડ થાય તેમ લાગતાં ત્યાં ઉતારો કર્યો. કોઈને પૂછતાં ખબર પડી કે આ ડાંગરવાની સીમ છે.

          આ બાજુ ગામમાં જતનબાને ખબર પડી કે શ્રીહરિએ સંઘે સહિત સીમમાં ઉતારો કર્યો છે. શ્રીહરિ અને સંઘ રાત્રે ભૂખ્યા સૂઈ જાય તે તો જતનબાથી કેમ ખમાય? થોડી વારમાં જતનબાએ સંઘને જમાડવા માટેનું સીધું સામાન એકઠું કર્યું અને ગાડામાં ભરી થોડી બાઈઓ સહિત જતનબા સીમમાં જ્યાં શ્રીહરિએ ઉતારો કર્યો હતો ત્યાં પહોંચી ગયાં. થોડી વારમાં રસોઈ તૈયાર કરાવડાવી. શ્રીહરિ અને સંઘને ખૂબ ભાવથી જમાડ્યા. જતનબાનો આવો પ્રેમભાવ અને મમત્વભાવ જોઈ શ્રીહરિ અત્યંત રાજી થયા.

**************************

          એક વખત શ્રીહરિ સંતો-હરિભક્તો સહિત ડાંગરવા પધાર્યા એ વખતે જતનબા કડદો (કોદરીની ઘેસ) હલાવી રહ્યાં હતાં. ત્યાં તો શ્રીહરિનાં અચાનક દર્શન થતાં જ તેઓ રાજીનાં રેડ થઈ ગયાં. (ઢોર છોડવાનો વખત થઈ ગયો હતો તેથી જતનબા વિમાસણમાં હતાં કે કડદો હાલાવું કે ઢોર છોડવા જાઉં?) ભક્તની પરિસ્થિતિ પારખી આજે સ્વયં શ્રીહરિએ જતનબાને કહ્યું, “જા જતન, ઢોર છોડવાનો વખત થઈ ગયો છે. લાવ હું કડદો હલાવું.” શ્રીહરિ લાકડાં સળગાવતા જાય અને કડદો હલાવતા જાય. ના હલાવે તો બળી જાય. લાકડાનાં ધુમાડાથી શ્રીહરિની આંખો લાલચોળ થઈને બળવા લાગી હતી. થોડી વારમાં જતનબા આવ્યાં. મહારાજ કહે, “જતન, જલ્દી જો, આ કડદો ચડ્યો કે નહિ?” જતનબા કહે, “કડદો ચડ્યો કે ના ચડ્યો પણ મારું કામ થઈ ગયું. જે જે જમશે તે બધાંયનું કલ્યાણ થઈ જશે.” ત્યારે શ્રીહરિ કહે, “જતન, બ્રહ્માંડ બનાવવું સારું પણ તારો કડદો રાંધવો ખોટો!”

          કડદો ચડી રહ્યા પછી શ્રીહરિ સંતો-હરિભક્તો સહિત જમવા બેઠા. સ્વયં શ્રીહરિએ સ્વ-હસ્તે બનાવ્યો હતો તેથી તેમાં અનેરો સ્વાદ હતો.

          આવી રીતે શ્રીહરિ અવારનવાર ડાંગરવા પધારતા ત્યારે જતનબા શ્રીહરિને જમાડવાની અમૂલ્ય તકનો લ્હાવો કદી ચૂકતાં નહીં.

**************************

          એક વખત શ્રીજીમહારાજ પાંચસો પરમહંસો અને કાઠીઓને લઈને જતનબાને ઘેર બે માસ સુધી રોકાયા હતા. રોજ સવાર-સાંજ કથાવાર્તાના અખાડા ચાલતા. શ્રીહરિ રોજ નવી નવી રસોઈ જમાડી સંતો-હરિભક્તોને આનંદ કરાવતા હતા. વેણીદાસ પટેલે ઘરમાં ભરી રાખેલી અનાજની કોઠીઓ ધીરે ધીરે ખાલી થવા માંડી હતી. હવે માત્ર બોવા (વાવણી કરવા) જેટલી જ જુવાર ઘરમાં બચી હતી. વેણીદાસ પટેલને હવે દિવસે દિવસે ચિંતા વધવા માંડી હતી. હવે મહારાજ અહીંથી બીજે પધારે તો સારું એવો સંકલ્પ થયો.

          એક દિવસ જતનબા શ્રીહરિને જમાડતાં હતાં. પીરસતાં પીરસતાં જતનબા હાથ ધોવા બહાર આવ્યાં ત્યારે, શ્રીજીમહારાજે સંતો-હરિભક્તોને કહ્યું, “હે પરમહંસો, હે હરિભક્તો, સૌ તૈયાર થાવ અને અમારી માણકી પણ તૈયાર કરો. હવે આપણે અહીંથી નીકળીએ.” આટલું સાંભળતાં તો વેણીદાસ પટેલ રાજી રાજી થઈ ગયા. તેમને થયું કે ઠીક કર્યું મહારાજે જવાનો સંકલ્પ કર્યો, પરંતુ આ જતન વેવલી છે. એ જરૂર મહારાજને રોકવા પ્રયત્ન કરશે. મહારાજને ગમે તેમ કરીને રાખશે. તેથી તેમણે જતનબાને નજીક બોલાવી કહ્યું, “જોજે હો જતન, મહારાજ ઘણું રહ્યા અને હવે જવાનું કહે તો રોકતી નહિ, જવા દેજે.”

          જતનબા અંદર ગયાં એટલે શ્રીહરિએ હસતાં હસતાં જતનબાને પૂછ્યું કે, “જતન, સાચું બોલ તારા પિતાજી શું કહેતા હતા?” ત્યારે જતનબાનો પરાકાષ્ઠાનો સાચો પ્રેમ ઢાંક્યો ક્યાંથી ઢંકાય? જતનબા કહે, “એ તો મહારાજ, મારા પિતાજી એમ કહેતા હતા કે જોજે જતન, મહારાજ જવાનું કહે છે પણ તેમને ગમે તેમ કરી સમ દઈને પણ રોકજે; જવા ના દેતી.” પડખે ઊભેલા વેણીદાસ પટેલ તો જતનબાના આવા શબ્દો સાંભળી વિમાસણમાં મુકાઈ ગયા.

          શ્રીજીમહારાજ કહે, “જતનબા, અમને બધી ખબર છે કે તારા પિતાજી શું કહેતા હતા?” પછી શ્રીજીમહારાજે વેણીદાસ પટેલ તરફ જોઈ કહ્યું, “શું તમે અમને જીવ જેવા જાણો છો? શું કોઈ અમને કે અમારા સંતો-હરિભક્તોને જમાડે તો તેમની અનાજની કોઠીઓ ખાલી થઈ જાય? અમે જ્યારે વનવિચરણ કરતા ત્યારે એક ભાટે અમને બે રોટલા જેટલો લોટ ભાવથી આપ્યો. અમે તેના રોટલા બનાવી જમાડ્યા તેના ફળ સ્વરૂપે તે ભાટના ખેતરમાં કાયમ સાત મણ જુવાર પાકતી તેના બદલે સાતસો મણ જુવાર પાકી. તો શું તમે અમારે સાટે સેવા કરી અને તમારી કોઠીઓ ખાલી થઈ હશે? ચાલો બતાવો તમારી કઈ કઈ કોઠીઓ ખાલી થઈ ગઈ છે?” એમ કહી શ્રીજીમહારાજ હાથમાં સોટી લઈ ખાલી કોઠીઓ હતી ત્યાં ગયા અને દરેક કોઠીને વારાફરતી સોટી અડાડી તો કોઠીઓ અનાજથી છલકાઈ ગઈ. એટલું જ નહિ, શ્રીજીમહારાજે વેણીદાસ પટેલને કહ્યું, “જાવ સાણેથી દાણા સારજો, તમારી કોઠીઓ ક્યારેય ખાલી નહિ થાય.”

          વેણીદાસ શરમિંદા બની ગયા અને મહારાજની માફી માંગી, “હે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો. મેં આપણે વિષે મનુષ્યભાવનો સંકલ્પ કર્યો માટે મને માફ કરો.” દિલના દરિયાવ મહાપ્રભુએ વેણીદાસ પટેલને રાજી થઈ આશીર્વાદ આપ્યા કે, “વેણીદાસ, જાવ આ તમારા માઢ ઉપરથી ચકલું ઊડીને નીકળશે તોય તેનું અમે કલ્યાણ કરીશું. અમારા ધામમાં તેડી જઈશું.”

          જતનબાના નિર્દોષ ભાવને જોઈ શ્રીહરિ અવારનવાર ડાંગરવા પધારતા અને તેમણે ઘણી લીલાઓ કરી છે જે ક્રમશઃ જોઈશું.

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno