Essay
 
મુક્તરાજ જતનબા - ૨
Date : 2014-01-14
 

        શ્રીજીમહારાજે ડાંગરવામાં જતનબાને ઘેર અદ્દભુત પીરસણ લીલા કરી હતી જેનું વર્ણન સદ્દ. કૃષ્ણાનંદસ્વામીએ ‘શ્રી હરિચરિત્રામૃત’ ગ્રંથના ૩૫માં અધ્યાયમાં કર્યું છે,

                                              “આવ્યા ડાંગરવે દીનબંધુ, કરુણાનિધિ સુખ સિંધુ ;

                                               ડોશી જતનબાઈને ઘેર, ગયા પુરુષોત્તમ કરી મેર;

                                               દહીં દૂધની રેલ મચાવી, સંત ખૂબ જમાડ્યા તેડાવી.”

        સંતો-હરિભક્તોને પંક્તિમાં પીરસી શ્રીજીમહારાજ પાટ ઉપર આવીને બિરાજ્યા અને જતનબાના આગ્રહથી કાઢેલું દૂધ ધરાવી ખૂબ રાજી થયા. શ્રીહરિને અતિશય રાજી જોઈ વેણીદાસ પટેલે તક ઝડપી લઈ પ્રાર્થના કરી કે, “હે મહારાજ ! આપ કેવળ કૃપા કરી અમને મળ્યા છો ને આપના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવી અમારુ કલ્યાણ કરો છો પરંતુ જેને હે મહારાજ આપના સ્વરૂપનું જ્ઞાન નહોતું એવા અમારા દીકરાઓ ધર્મદાસ, ધોરી મૃત્યુ પામ્યા છે તો તેમના કલ્યાણનું શું થશે?”

        આજે કરુણાનિધિ શ્રીહરિ અઢળક ઢળ્યા અને પોતાના ભક્તજન પર રાજીપાની વર્ષા કરતા આશીર્વાદ આપી દીધા કે, “હે વેણીરામ ! તમારા જે દીકરાઓ મૃત્યુ પામ્યા છે તેમના કલ્યાણની તમે કોઈ ચિંતા કરશો નહીં. અમારી દૃષ્ટિ જે હરિજનના ઘર ઉપર પડે છે તેમના ઘર ઉપરથી ચકલી આદિક પક્ષી ઊડીને જાય તો તેનું પણ કલ્યાણ અમે કરીએ છીએ તો પછી તમારા દીકરાઓનું શું બાકી રાખીશું એમાં વળી શું કહેવાનું હોય ?”

        શ્રીહરિના આવા કલ્યાણના કોલ ફદલમાં મળતા હતા. તેથી વેણીદાસ પટેલે પાકું કરાવવા પ્રાર્થના કરી કે, “પ્રભુ આપ મારા હાથમાં હાથ મૂકીને વચન આપો કે આ ઘરમાં કે ઘર ઉપરથી જે ઊડીને જાય તેનું પણ કલ્યાણ કરશો.” શ્રીહરિએ પણ અતિ રાજીપો જણાવી તેમના હાથમાં હસ્ત મૂકી વચન આપ્યું પછી ઉતારે પધાર્યા.

        શ્રીહરિ ઉત્તર ગુજરાતમાં વિચરણ અર્થે પધારતા ત્યારે ડાંગરવામાં જતનબાનું ઘર વાટના વિસામા જેવું બની રહેતું. વિચરણમાં જતા-આવતા શ્રીહરિ અચૂક ડાંગરવા પધારતા. એક વખત શ્રીજીમહારાજ લાંઘણજથી ડાંગરવા જતનબાનાં ઘેર પધાર્યા. વેણીદાસ પટેલે મુકુંદવર્ણીને થાળ કરીને જમાડવા પ્રાર્થના કરી. જતનબાનાં આગ્રહ અને પ્રેમને વશ થઈ મહારાજે પાકા થાળ જમાડ્યા અને પછી ગામમાં ક્ષત્રિય બાઈ હરિભક્ત જતુબા હતા તેમના ઘેર પધરામણી કરવા પધાર્યા પછી ત્યાંથી યમુનાબાઈને ઘેર પધારી તેમના મનોરથ પૂર્ણ કરવા રાત્રિ નિવાસ કર્યો. સવારમાં શ્રીહરિ કરજીસણ જવા પધાર્યા. ત્યાંથી ખોરજ, નારદીપુર વગેરે ફરતા ફરતા ફરી વાર ડાંગરવા પધાર્યા.

        શ્રીહરિ સંતો-હરિભક્તો સાથે ગામની પૂર્વ દિશામાં આવેલ વાડીમાં પોઢેલા હતા. ફરતા મુનિના વૃંદ બેઠા હતા. દૂરથી વેણીદાસ પટેલ અને ગામના અન્ય ભક્તજનોએ આ દ્રશ્ય જોયું. તેથી તેઓ નજીક આવ્યા અને શ્રીહરિનાં દર્શન-દંડવત કર્યાં. વેણીદાસ પટેલે તરત જ શ્રીહરિ અને સંતોને સ્નાન કરાવી વાડીમાં જ ભોજન માટેની વ્યવસ્થા કરી.

        જતનબા આદિક બાઈઓ પણ મહારાજનૉં દર્શન તેમજ સેવાનો લાભ લેવાં આવી પહોંચ્યાં હતાં. તેમની પ્રાર્થનાથી શ્રીહરિ ગામમાં પધાર્યા. રાત્રિના સમયે સભા થઈ. અડધી રાત્રે અચાનક શ્રીહરિ જતનબાને કહે કે, “જો તમારે બાઈ હરિભક્તોને પૂજન કરવાની ઇચ્છા હોય તો તમે અત્યારે હાલ જ પૂજા કરો.” પોતાના પ્રિયતમ એવા શ્રીહરિની પૂજાનો અણમોલ અવસર મળતા સર્વે બાઈ હરિભક્તોમાં આનંદનું ઘોડાપૂર આવ્યું. જતનબા આદિક બાઈ હરિભક્તોએ અંતરના પ્રેમથી આનંદવિભોર થઈ, શ્રીહરિનું કુમકુમથી પૂજન કર્યું. એ વખતે તરત ચંદન લાવવું શક્ય નહોતું ; તેથી માત્ર કુમકુમથી શ્રીહરિના શરીરે કુમકુમનો લેપ કર્યો. શ્રીહરિની મનોહર મૂર્તિ અદ્દભુત શોભા આપતી હતી. ત્યારે સૌ બાઈ હરિભક્તોએ શ્રીહરિની આ દિવ્ય મનોહર મૂર્તિને અહોભાવ સાથે અંતરમાં ઉતારી લીધી. આમ, શ્રીહરિએ ડાંગરવાના ભક્તજનોને ખૂબ સુખ આપ્યું. પછી શ્રીહરિ ત્યાંથી કરજીસણ પધાર્યા. શ્રીહરિ અવારનવાર ડાંગરવાથી કરજીસણ અને કરજીસણથી ડાંગરવા પધારતા હતા.

        એક વખત શ્રીહરિ ગઢપુરથી નીકળી મછિયાવ ગામ પધાર્યા હતા. મછિયાવથી શ્રીહરિ એકાંતમાં ગુપ્તપણે રહેવું હતું તેથી ડાંગરવા પધાર્યા. ડાંગરવાના પાદરમાં શ્રીહરિએ ઉતારો કર્યો. અને ઘોડેસવાર હરિભક્તોને આજ્ઞા કરી કે, “તમે કરજીસણ ગામમાં જાવ પણ અમે અહીયાં છીએ તેની કોઈને જાણ કરશો નહીં.” તથા ભગુજીને કહ્યું કે, “તમે ડાંગરવા ગામમાં જાઓ અને જતનબાને જાણ કરો કે અમે આવ્યા છીએ અને અમને ખૂબ ભૂખ લાગી છે.” ભગુજી તરત જ જતનબાને સમાચાર આપવા નીકળી ગયા. આ બાજુ શ્રીહરિની જોડે રહેલા શિવરામ વિપ્ર અને ભીમજીએ મહુડાના છાયામાં સંદર સુશોભિત આસન બીછાવ્યું અને શ્રીહરિ તે ઉપર શ્વેત ચાદર ઓઢી પોઢી ગયા. પોઢ્યા તે પહેલાં બંને સેવકોને ટકોર કરી કે, “અમે અહિયાં છીએ તેની કોઈને પણ જાણ ન કરશો.”

        શ્રીહરિ પોઢ્યા હતા ત્યારે રસ્તા પરથી ક્ષત્રિયો જતા હતા તેમને કોઈ માથે ઓઢીને સૂતું છે એમ જાણી શિવરામ વિપ્ર અને ભીમજીને પૂછ્યું જે, “આ કોણ સૂતું છે?” થોડી ક્ષણ થંભીને બંને બોલ્યા કે, “હે ભાઈઓ ! આ તો અમારા ગામના અધિપતિ (ગામધણી) નારાયણસિંહ છે. અમો પશ્ચિમ દેશમાંથી આવ્યા છીએ અને અત્યારે હાલ માણસા જવા નીકળ્યા છીએ. શ્રીહરિ બંનેનો આવો જવાબ સાંભળી ચાદરમાં મંદ મંદ હસતા હતા.

        થોડી વારમાં ભગુજી ગામમાંથી પાછા આવ્યા. પાછળ પાછળ જતનબા રસોઈ બનાવવાની સર્વે પાક સામગ્રી લઈને ઉતાવળે ઉતાવળે પવનવેગે આવતા હતા. સાથે બીજા કેટલાંક બાઈ હરિભક્તો પણ હતાં. દૂરથી આ જોઈ શ્રીહરિ બિછાના ઉપરથી ઊભા થઈ ગયા. જતનબા જે રસ્તેથી આવતા હતા, તેના કરતાં બીજા રસ્તે વચ્ચે જઈ ઊભા રહી ગયા. જતનબા નજીક આવતા શ્રીહરિએ સાદ પાડ્યો, “જતનબા હું અહીં છું તમે અહીંયા આવો.” શ્રીહરિનાં દર્શન કરતાં તેઓ આનંદના સાગરમાં ડૂબી ગયાં અને ત્યાં ને ત્યાં થંભી ગયાં. જતનબાની પાછળ ધીમે ડગલે સોનબાઈ પણ આવી પહોચ્યાં. આ ભક્ત અને ભગવાનનું અદ્દભુત મિલન હતું. પોતાના પ્રાણેશ્વરનાં દર્શન કરવામાં જતનબા પોતાના માથે રહેલ પાક સામગ્રીનો ટોપલો પણ ઉતારવાનું વિસરી ગયાં હતાં. સોનબાઈએ આવીને કહ્યું, “જતનબા પહેલા ટોપલો તો ઉતારો પછી મનભરી દર્શન કરજો.” શ્રીહરિ સોનબાઈના વચન સાંભળી હસવા લાગ્યા. પછી સોનબાઈએ જતનબાના માથેથી ટોપલો ઉતરાવ્યો. બંને એ ભેગા મળી શ્રીહરિ માટે ઝટપટ રૂડાં થાળ બનાવ્યા. જતનબાએ શ્રીહરિ માટે સુંદર થાળ પીરસ્યા અને ખૂબ ભાવથી જમાડ્યા. જોડે ભગુજી આદિક પાર્ષદો પણ જમવા બેઠા. જમાડતા જમાડતા શ્રીહરિએ સોનાબાઈને કહ્યું, “અત્યારે અમે અહીં ગુપ્તવાસમાં છીએ માટે તમો તમારે ગામ જાઓ અમે પાછળથી આવીશું. અત્યારે અમારી સેવામાં તો જતનબા જ રહેશે.” એવી રીતે શ્રીહરિ જયાં સુધી ગુપ્તપણે રહ્યા ત્યાં સુધી જતનબાની સેવાને અંગીકાર કરતા. જતનબા પણ શ્રીહરિની ખૂબ ભાવથી સેવા કરતા. જતનબાએ શ્રીહરિને રાજી કરવા ઘણા સાંસાગોટીલા કર્યા તેને આગામી લેખમાં માણીશું. 

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno