Essay
 
મુક્તરાજ જતનબા - ૧
Date : 2013-11-22
 

          ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું રળિયામણું અને શ્રીહરિના ચરણોથી પ્રસાદીભૂત થયેલું ડાંગરવા ગામ છે. અહીં શ્રીહરિ ઉત્તર ગુજરાતમાં દંઢાવ્ય દેશમાં વિચરણ માટે પધારતા ત્યારે અચૂક ડાંગરવા પધારતા. ડાંગરવામાં વેણીદાસ પટેલ નામના શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત રહેતા હતા. વેણીદાસ પટેલને બે દીકરી અને દીકરાઓ હતાં. મોટાં દીકરી જતાનબાને શ્રીહરિને વિષે અનન્ય પ્રીતિ હતી તથા નાનાં બહેન રતનબાને પણ શ્રીહરિના વિષે ખૂબ હેત હતું. શ્રીહરિ જ્યારે ડાંગરવા પધારતા ત્યારે બંને બહેનોનો આનંદ આસમાને પહોંચી જતો. અતિશે આનંદવિભોર થઈ શ્રીહરિની અને સંતોની સેવા કરતાં. ડાંગરવા ગામમાં વેણીદાસ પટેલનું ઘર ઊચું ગણાતું. ઘરે મોટી ઘોડશાળ હતી જેમાં તેમાં સારી ઓલાદના ઘોડા તથા ગાય-ભેંસ આદિ પશુધન પણ ઘણું હતું. તેથી તેઓ શ્રીહરિ અને સંતોની સેવામાં મણા ન રાખતા. શ્રીહરિ પણ તેમની સેવાનો રાજી થકા સ્વીકાર કરતા અને અનેક નવી લીલાઓ કરતા.

          એક વખત શ્રીહરિ વીસનગરથી પાછા વળતાં ખોરજ થઈ ડાંગરવાની સીમમાં પધાર્યા હતા. ડાંગરવા અને કરજીસણ બંને ગામ પાસે પાસે જ છે. શ્રીહરિ ડાંગરવા પધાર્યાના સમાચાર મળતાં કરજીસણના ગોવિંદજી પટેલ આદિક હરિભક્તો અને ડાંગરવાના વેણીદાસ પટેલ, અગરાજી, અમરાજી તથા જતનબા, રતનબા, રામબા, લાખુબા આદિક બાઈઓ પણ શ્રીહરિને વધાવવા વિશાળ ખારી વડ નીચે પહોંચી ગયાં હતાં. શ્રીહરિને આગળ વિચરણમાં જવાની ઉતાવળ હતી તેથી સૌને મળી ‘ગામમાં પાછી આવીશું.’ એમ કહી નીકળવા તૈયાર થયા.

          ડાંગરવાનાં જતનબા તથા વેણીદાસ પટેલ આદિક હરિભક્તો અને કરજીસણના ગોવિંદજી પટેલે મહારાજને ગામમાં પધારવા વિનય વચને ખૂબ પ્રાર્થના કરી. શ્રીહરિ આજે ભક્તોના મનોરથ પૂરા કરવા તેમની કસોટી લેવા તત્પર બન્યા. શ્રીહરિએ ગોવિંદજી પટેલને કહ્યું કે “ગોવિંદજી પટેલ! તમે જતનબાના સંભાળતાં વચન આપો કે તમે અમારા સંતો-હરિભક્તોને સાકરના શીરાની રસોઈ જમાડશો તો અમે તમારે ગામ આવીએ.” ત્યારે જતાનબાએ શ્રીહરિને સાચા ભાવે વિનય વચને પ્રાર્થના કરી કે, “હે મહારાજ! અમારુ કશું જ નથી. જે કઈ છે તે સર્વસ્વ આપનું અને આપના સંતો–હરિભક્તોને અર્થે જ છે. આપની દયાથી ઘેર દૂધ, દહીં, ઘીની રેલમછેલ છે. માટે હે મહારાજ! આપ સંતો – હરિભક્તોએ સહિત ડાંગરવા પધારો અને સંતો–હરિભક્તોને જોઈએ તેટલું ખૂબ દૂધ, દહીં ને ઘી જમાડો.

          શ્રીહરિ હસતા હસતા જતનબાને કહે, “જતન! અમે માંગીએ તેટલું તમે સંતો–હરિભક્તોને દૂધ, દહીં, ઘી નહિ પૂરું પાડી શકો. માટે રહેવા દો.” આજે ભગવાન અને ભક્તની વચ્ચે મીઠો વિવાદ થઈ રહ્યા હતો. જતનબાએ પણ મહાપ્રભુને કહ્યું, “દયાળુ! હું જેટલું દૂધ-દહીં ને ઘી લાવીશ તેટલું સંતો ને હરિભક્તો નહિ જમી શકે, એટલું આપ વાપરી પણ નહિ શકો.” જતનબા શ્રીહરિને સંતો–હરિભક્તો સહિત ગામમાં પધારવાનું આમંત્રણ આપી ઘેર તૈયારી માટે પહોંચી ગયાં.

          શ્રીહરિ, બ્રહ્મચારી, પાર્ષદો, ધોડેસવારો, કાઠી-દરબારો અને અન્ય હરિભક્તોને બોલાવીને કહ્યું કે, “તમારામાંથી એક એક જણો બશેર-બશેર ઘી ન જમી જાવ તો તમને અમારા સોગંદ છે. ગમે તેમ કરી જતનબાનું ઘી, દૂધ, દહીં ખૂટવાડી દેજો.” શ્રીહરિ ખારી વડ નીચેથી ચાલતા સંતો–હરિભક્તો સહિત જતનબાના ઘરે પધાર્યા.

          શ્રીહરિએ સ્નાન કરી મુકુંદવર્ણીએ બનાવેલા થાળ જમાડી જતનબાનો ભાવ પૂરો કર્યો. જતનબાના ઘરના આંગણામાં સંતો, પાર્ષદો, હરિભક્તોની જુદી જુદી પંગત થઈ હતી. સંતો–હરિભક્તોને પંગતમાં બેઠેલા જોઈ શ્રીહરિ રાજી થઈ પીરસવા તૈયાર થઈ ગયા. શ્વેત ખેસ ડાબે ખભે નાખી કમરે કસીને બાંધ્યો. ઘી ભરેલું પાત્ર લઈ એક ધારે સંતો–હરિભક્તોનાં પાત્રોમાં ઘી પીરસવાં માંડ્યા. બીજા સંતોએ વિવિધ શાક, અથાણાં, મીઠાઈઓ પીરસવા માંડી. જય બોલાવી અને સૌએ જમાડવાનું શરૂ કર્યું. શ્રીહરિએ સંતો–હરિભક્તોને કહ્યું કે, “અમે ખારી વડ નીચે આજ્ઞા કરી હતી તેને ધ્યાનમાં રાખીને બધા જમાડજો.” એમ કહી ફરી સંતો–હરિભક્તોના પાત્રમાં ઘી–ગોળ પીરસ્યાં. જોડે દૂધ, દહીંની પણ રેલમછેલ હતી. શ્રીહરિ એક ધારે દૂધ, દહીં, ઘી પીરસતા તેથી જતનબાના આંગણાની જમીન પણ દૂધ, દહીં, ઘીથી ભીની થઈ ગઈ હતી. શ્રીહરિએ સંતો–હરિભક્તોને તો દુધ, દહીં, ઘીથી નવરાવી ભીના કરી દીધા. એવી અનેક લીલાઓ કરતા હતા.

          જતનબા આદિક બાઈઓ દુરથી આ દર્શન કરી ખૂબ રાજી થતાં હતાં. શ્રીહરિએ સંતો–હરિભક્તોને ખૂબ જમાડ્યા પછી શ્રીહરિ હસ્ત-ચરણ ધોઈ ઢોલિયા પર આવીને બિરાજમાન થયા. જતનબા તરત જ સાકર, ઇલાયચી, કેસર, બદામ નાખી કઢેલું દૂધ બનાવેલું ચાર શેરનું પાત્ર લઈ શ્રીહરિની પાસે આવ્યાં અને પ્રાર્થના કરી કે, “ હે દયાળુ! તમે મારું ભેગું કરેલું દૂધ, દહીં, ઘી સંતોને જમાડી ન શક્યા.” ત્યારે ભક્તવત્સલ પ્રભુ કહે, “જતનબા! તમારા પ્રેમ આગળ અમે હાર્યા. અમે સંતો–હરિભક્તોને જમાડી ન શક્યા.” ત્યારે જતનબાએ પ્રાર્થના કરી કે, “હે પ્રભુ! ના ખૂટ્યા તો કંઈ નહિ પરંતુ હવે આ દૂધ ધરાવાની સેવાનો આપ સ્વીકાર કરો એટલે સર્વે આવી જાય.” શ્રી હરિએ દુધ ધરાવવાની ના પાડી છતાં જતનબાએ વારંવાર અંતરથી પ્રાર્થના કરી. જતનબાના સાચા પ્રેમને વશ થઈ શ્રીહરિએ સંતો–હરિભક્તો સૌને દર્શન આપતા થકા ચાર શેર કઢેલું દૂધ ધરાવ્યું. શ્રીહરિએ સેવા સ્વીકારી તેથી જતનબા આદિક બાઈઓ ખૂબ રાજી થઈ ગયાં.

          આજે શ્રી હરિ પણ અઢળક ઢળ્યા અને જતનબા તથા વેણીદાસ પટેલને આશીર્વાદ આપતાં કહ્યું કે, “જતનબા! જાવ આજથી તમારા ઘરમાં ક્યારેય દૂધ, દહીં ને ઘી નહિ ખૂટે.” શ્રીહરિ જતનબાના પ્રેમને વશ થઈ આઠ દિવસ ડાંગરવા રોકાયા અને અનેક લીલાઓ કરી સુખ આપ્યાં હતાં. વિશેષ લીલાઓ ક્રમશ: જોઈશું.

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno