શ્રીહરિના દિવ્ય સાંનિધ્યમાં ધરમપુરમાં રોજ અનેક અવનવી લીલાઓ થતી. સંતો-હરિભક્તો સૌ સુખિયા થતા. રાજમાતા કુશળકુંવરબા અને કુંવર વિજયદેવજીને તો અંતરમાં હર્ષ સમાતો નહોતો. અનન્યભાવે શ્રીહરિ અને સંતોના દિવ્યભાવમાં ગરકાવ રહેતા.
ધરમપુરના પાડોશમાં આવેલા વાંસદા ગામે કુશળકુંવરબાનાં ભત્રીજી જીતબા રહેતાં. એક દિવસ જીતબાના દીકરા રાયસિંહજીએ શ્રીહરિને વિનયવચને વાંસદા પધારવા પત્ર લખ્યો. રાજા રાયસિંહજીના પ્રેમભર્યાં વિનયવચનોને અને કુશળકુંવરબાની વિનંતીને વશ થઈ શ્રીહરિ સંતો-હરિભક્તો સહિત વાંસદા પધાર્યા.
શ્રીહરિએ ધરમપુરથી નીકળી રસ્તામાં એક ગામ રાતવાસો કર્યો અને ત્યાંથી વાંસદા જવા નીકળ્યાં. વાંસદા અડધો કોશ દૂર હતું ત્યાં તો રાજા રાયસિંહજી શ્રીહરિનું સ્વાગત કરવા શણગારેલી સવારી સાથે સામે આવ્યા. નોબત, ડંકા, નિશાન લાવ્યાં હતાં ને જાત જાતનાં વાજિંત્રો વાગતાં હતાં. રાજા રાયસિંહજીએ શ્રીહરિનું ચંદનથી પૂજન કરી પુષ્પના હાર ધારણ કરાવ્યા. શ્રીહરિને પ્રાર્થના-વિનંતી કરી સુખપાલમાં બેસાર્યા અને સવારી આગળ વાંસદામાં પ્રવેશી. આખું વાંસદા શહેર સુંદર રીતે શણગાર્યું હતું. કેળના ફળ સોતા રોપા અને નારિયેરીથી રસ્તા શોભી રહ્યા હતા. પ્રેમમગ્ન સ્ત્રીઓ સોના-રૂપાનાં પુષ્પથી શ્રીહરિને વધાવતી હતી. એવી રીતે ધામધૂમથી શ્રીહરિ રાજાના મહેલમાં પધાર્યા.
શ્રીહરિ સંતો-હરિભક્તો સહિત ત્રણ દિવસ વાંસદા રહ્યા. રાજદરબારમાં શ્રીહરિ માટે રોજ નવી નવી રસોઈ થતી. જીતબા અને તેમનાં પુત્રવધૂનો શ્રીહરિ માટેનો પ્રેમ અનન્ય હતો. તેઓ શ્રીહરિની જમાડવાની તેમજ અન્ય લીલાઓ કરતી મર્માળી મનોહર મૂર્તિનાં દર્શનમાં ખોવાઈ જતા. શ્રીહરિની સેવામાં કોઈ પ્રકારની કસર રહેવા દેતા નહીં.
રાજા રાયસિંહજીનો ભક્તિભાવ અને નિર્દોષભાવ જોઈ શ્રીહરિ અત્યંત રાજી થતા. એક દિવસ સવારમાં રાજા રાયસિંહજી કેસરયુક્ત ચંદન ઘણું ઘસીને લાવ્યા. શ્રીહરિનું ખૂબ ભાવથી તેમણે પૂજન કર્યું. શ્રીહરિએ રાજી થઈ તેમને સામે ચાલી કંઈક માંગવા કહ્યું. તક ઝડપી રાજા રાયસિંહજીએ શ્રીહરિને પ્રસાદીરૂપ ચરણારવિંદ આપવા પ્રાર્થના કરી. શ્રીહરિએ રાજી થઈ હા પાડીને કપડું માગ્યું. તુરત કપડું ન મળતાં રાણીએ ઇશારાથી સાફામાં ચરણારવિંદ લઈ લેવા કહ્યું. રાજા રાયસિંહજીએ તુરંત પોતાનો સાફો પાથર્યો તેમાં શ્રીહરિએ પ્રસાદીનાં ૪૦ ચરણારવિંદ પાડી તેમને રાજીપો આપ્યો. શ્રીહરિ ચોથા દિવસે વાંસદાથી ધરમપુર પધાર્યા.
રાજમાતા કુશળકુંવરબાને તો શ્રીહરિનો ચાર દિવસનો વિયોગ અસહ્ય થઈ ગયો હતો. શ્રીહરિ ધરમપુરની ભાગોળે પધાર્યા ત્યારે રાજમાતાએ કુંવર વિજયદેવજીને સવારી લઈને શ્રીહરિને સામે લેવા મોકલ્યા. વાજતેગાજતે શ્રીહરિ રાજભવનમાં પધાર્યા.
શ્રીહરિ અને સંતો-ભક્તો ઉતારે આવ્યા. શ્રીહરિ પોતે જમ્યા અને સંતોને જમાડ્યા. શ્રીહરિ ઢોલિયા પર બિરાજ્યા હતા ત્યારે કુશળકુંવરબાએ વસંતપંચમીનો સમૈયો ધરમપુરમાં કરવા પ્રાર્થના કરી. કુશળકુંવરબાના મનમાં એક વિચાર હતો કે વસંતપંચમીના સમૈયે દેશો-દેશથી સંતો-હરિભક્તોને તેડાવવા અને સમગ્ર ધરમપુરનું રાજ્ય શ્રીહરિના ચરણોમાં સમર્પિત કરી દેવું.
બીજા દિવસે રાજદરબારમાં શ્રીહરિનું વસ્ત્રો, સોનાના કડા, બાજુબંધ, અમૂલ્ય મણિ-મોતીના હાર, ચંદન, અક્ષત, પુષ્પ આદિક મંગલ ઉપચારો તથા અમૂલ્ય રત્નજડિત મૂગટ ધરાવી ભાવથી પૂજન કર્યું. પોતાનું સમગ્ર રાજ્ય, વાહનો, પશુ સહિત બધું તુલસીના પત્રે શ્રીહરિના ચરણોમાં અર્પણ કર્યું અને પ્રાર્થના કરી કે, “હે મહારાજ !આપ અહીં રાજ્યમાં કાયમ માટે રહો. આપ રાજ સાંભળજો અને કુંવર આપ આપશો તે ખાશે, પીશે અને મોજ કરશે.”
શ્રીહરિ રાણીબાના અંતરના શુધ્ધભાવને પિછાણી રહ્યા હતા. અંતરથી તેમની સમર્પણ-ભાવનાથી રાજી થતા હતા. શ્રીહરિએ રાણીબાને સંબોધીને કહ્યું કે, ”રાજમાતા! અમે અહીયાં કાંઈ રાજ કરવા માટે નથી આવ્યા. અમે તો અનંતના આવા રાજ છોડાવી તેમને મૂર્તિના સુખરૂપી રાજ્ય આપવા આવ્યા છીએ. આવું રાજ તો તમને જ શોભે.” છતાંય રાજમાતાની આજીજી-પ્રાર્થના ચાલુ જ રહી.
શ્રીહરિએ કહ્યું, ”લ્યો તમે અમને રાજ્ય સોંપ્યું તો અમે આજથી અમારા કુંવર વિજયદેવને રાજ સોંપ્યું. એમ કહી કુંવર વિજયદેવસિંહને પાસે બોલાવ્યા અને તેમને કુમકુમનો ચાંદલો કરી રાજ્ય અર્પણ કર્યું અને રાજમાતાને કહ્યું જો “હવે તમે રાજ્યનો આગ્રહ કરશો તો અમે વસંત પંચમીનો સમૈયો કર્યા વગર અહીંથી ચાલી નીસરશું.” શ્રીહરિની રુચી જાણી રાજમાતાએ રાજ્ય પાછું સ્વીકાર્યું. શ્રીહરિએ દરબાર વચ્ચે રાજમાતાને રાજના બંધનથી નિર્લેપ રહેવાનો ઉપદેશ આપ્યો.
રાજમાતાએ શ્રીહરિને પ્રાર્થના રૂપે વચન આપતાં કહ્યું કે, “સત્સંગ કરતાં લેશમાત્ર પણ કુસંગનો ભાગ ન રહે એવી રીતે અમે હંમેશ સત્સંગ રાખીશું. અપરિચિત એવા અક્ષરધામનું કારણ આપની મૂર્તિ છે. એ મૂર્તિને અમે અંતરમાં અખંડ ધારી રાખીશું. હવે અમને આપની તેજોમય દિવ્ય મૂર્તિ વિના કાંઈ અધિક રહ્યું નથી.” શ્રીહરિએ કુશળકુંવરબાને નિત્ય ધ્યાન કરવાની રીત શીખવી પોતાની મૂર્તિનું અનન્ય સુખ પ્રદાન કર્યું.
મહા સુદ પાંચમનો દિવસ આવી ગયો. રાજ્યમાં અને રાજમાતાના અંતરમાં વસંત પંચમીના ઉત્સવનો આનંદ સમાતો નહોતો. વસંત પંચમીના મંગલકારી દિવસે શ્રીહરિએ સંતો, વર્ણી, પાળા અને હરિભક્તોની વિશાળ સભા ભરી ઉપદેશનાં વચન કહ્યાં. કુંવર વિજયદેવજી શ્રીહરિને રાજી કરવા વસંતની વસ્તુથી શણગારેલો શ્રીફળ સહિતનો કળશ પોતાને મસ્તકે ધરી સભા વચ્ચે આવ્યા અને શ્રીહરિના ચરણોમાં ધર્યો. એ વખતે સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્. પ્રેમાંનદ સ્વામી આદિક મુનિ મંડળે ઝાંઝ, મૃદંગ વગેરે વાજિંત્રો વગાડી વસંતનાં પદ ગાયાં. ઉત્સવની અલૌકિકતા બધે છવાઈ ગઈ હતી.
કુંવર વિજયદેવજીએ શ્રીહરિને ભારે વસંતી શ્વેત વસ્ત્રો ધરાવ્યાં. કેસર, પતંગ અને કેસૂડાના રંગનાં માટલાં ભરાવ્યાં. ગુલાબના થાળ અને ફગવા મંગાવ્યા. શ્રીહરિને વસંતોત્સવ કરવા પ્રાર્થના કરી. શ્રીહરિએ સંતો, હરિભક્તો અને કુંવર પર પ્રસાદીનો રંગ નાખી ખૂબ રાજીપો આપ્યો.
આવી રીતે શ્રીહરિ ધરમપુર રહ્યા તેટલા દિવસ રોજ નવા નવા ઉત્સવ થતા. જેમાં શ્રીહરિ સંતોને ઘણા હેતથી જમાડતા. કુશળકુંવરબા પણ મહારાજ અને સંતોની ખૂબ ભાવથી સેવા કરતા. ક્યારેક મીઠાઈના ટોપલા ભરી ઉતારે મોકલતા. શેરડીના સાંઠાનાં ગાડાં ભરી મોકલતા. ચોખ્ખા ગોળના ભીલા મોકલતા, પરદેશથી મંગાવેલ કાજુ, બદામનો મેવો મોકલતા. ઘી, દૂધ, દહીં, ખાંડ, સાકરતો સંતો છૂટે હાથે વાપરે તોય વધતું એટલું મોકલતા.
સંતોની સરભરા કરવામાં પણ રાજમાતા કોઈ કસર રહેવા દેતા નહીં. રોજ નવી નવી રંગોળીઓ પૂરી તેના ઉપર બાજોઠ મૂકતા. જેટલા સંતો તેટલા બાજોઠ ઢાળી તે ઉપર જળનાં તુંબડાં ભરેલાં તૈયાર ગોઠવતા. અગરબત્તીનો ધૂપ કરી સમગ્ર વાતાવરણ સુગંધિત કરી દેતા. સૌથી પહેલા શ્રીહરિને પુષ્પ-ચંદનથી પૂજા કરી થાળ જમાડતા. પછી સંતોનાં પત્તર પીરસતા. શ્રીહરિ સ્વયં વિપ્રોની સાથે સંતોને પીરસવાં પધારતા. સંતો બધું અન્ન મેળવી જળ નાખી નિ:સ્વાદી કરી સ્વામિનારાયણનું નામ લેતા જમાડતા. રાજમાતા આગ્રહ કરી સંતોને ખૂબ પિરસાવતાં. એક વાર શ્રીહરિએ સંતોને ઘીમાં બનાવેલું ફણસનું શાક ખૂબ પીરસી જમાડ્યા. આ લીલાના દૂરથી ભક્તજનો દર્શન કરતાં કરતાં કૃતાર્થ થઈ ગયા.
એક દિવસ રાજમાતાએ કુંવર વિજયદેવને રાજમાં રહેતા આદિવાસી(ભીલ)ને દર્શને બોલાવવા કહ્યું. આદિવાસીઓ એક એક નગારું વગાડતાં શ્રીહરિનાં દર્શને આવ્યા. તેમાં દેવાજી અને દાજી નામે આગેવાન ભીલો હતા તેમણે આવીને શ્રીહરિની પુષ્પ-ચંદનથી પૂજા કરી અને એક એક સોનામહોર શ્રીહરિના ચરણોમાં ભેટ ધરી. દસ હજાર આદિવાસીઓ દર્શન માટે આવ્યા હતા. કુંવર વિજયદેવજીએ તેમના તરફ હાથ ધરી શ્રીહરિને બે હાથ જોડી પ્રાર્થના કરી કે, “હે પ્યારા શ્રીહરિ! આ અમારી સેના છે તેના ઉપર આપ આપની અમૃતમયી દ્રષ્ટિ કરો અને બધાનો ઉદ્ધાર કરજો. મારી આટલી પ્રાર્થનાનો સ્વીકાર કરો.”
શ્રીહરિએ કહ્યું કે, “આ બધા આદિવાસીઓ જો એક વાર સંતોને હાથ જોડી પગે લાગે તો બધાયનો ઉદ્ધાર કરીશું. આ સંતોને જે પૂજે, જમાડે, સેવા કરે તે પરમ મોક્ષને પામશે.” એવી રીતે શ્રીહરિએ સંતોનો અપાર મહિમા વર્ણવ્યો અને આદિવાસીઓનાં કલ્યાણના કોલ દીધા.
હવે શ્રીહરિ ગઢપુર જવા ઉતાવળા થયા હતા તેથી રાજમાતા પાસે રાજા માંગી. રાજમાતા ગળગળાં થઈ ગયા. શ્રીહરિને અંત:પુરમાં લઈ ગયા અને બધે ફેરવી સમગ્ર સ્ત્રી- સમુદાયને દર્શન કરાવ્યાં. રાજમાતાએ કુંવર પાસે સંતોને ધોતિયાં ઓઢાડ્યાં અને હરિભક્તોને ભેટ આપી શ્રીહરિ આગળ રૂપિયા ભરેલા થાળના ઢગલા કર્યા. ભારે વસ્ત્ર-અલંકારો અને પાઘ શ્રીહરિને ધારણ કરાવ્યાં. કેસરયુક્ત ચંદન શ્રીહરિના ભાલમાં ચર્ચ્યું. કુંવરે કેસરયુક્ત ચંદન શ્રીહરિના ચરણોમાં ચર્ચ્યું ને ચરણ પોતાની છાતીમાં લીધા. કપૂરથી આરતી ઉતારી.
કુંવરે પ્રાર્થના કરી કે, “અમે તો હવે આપના થયા છીએ, માટે અમારી રક્ષા કરજો.” ત્યારે શ્રીહરિએ કહ્યું, “કુંવર! રાજમાતાની જ્યાં સુધી હયાતી હશે ત્યાં સુધી તમારી બુદ્ધિ સત્સંગ બહાર નહિ જાય. પછી અમે તમારી બુદ્ધિ પ્રમાણે તમારું ધ્યાન રાખીશું, પણ નીતિમાં રહીને નિર્વ્યસની થઈ રાજ કરજો.”
શ્રીહરિએ કહ્યું, “જ્યારે તમે પત્ર લખશો ત્યારે સંતોને અહીં સત્સંગ માટે મોકલશું.” એટલું કહી શ્રીહરિએ રજા માંગી. “બસ, મહારાજ! આપ જશો?” કહેતાં રાજમાતાને ડૂસકું આવી ગયું અને ચોધાર આંસુએ રડી પડ્યાં. રાજમાતાએ મહારાજને વિદિત વદને પ્રાર્થના કરી કે, ”મહારાજ! હવે આપના વિના આ દેહ રહે તેવું લાગતું નથી. માટે આપની મૂર્તિ અખંડ સાંભરે એક ક્ષણ પણ વિસરાય નહીં તેવી કૃપા કરો.”
શ્રીહરિએ રેશમી વસ્ત્ર મંગાવ્યું અને તેના ઉપર પોતાનાં ચરણારવિંદ પાડી આપ્યાં અને આશીર્વાદ આપ્યા કે, “આ ચરણારવિંદને છાતીએ અડાડી અમને સંભારજો તો તમને અમારી અખંડ મૂર્તિ દેખાશે.” શ્રીહરિ રાજમાતાની રજા લઈ નીકળ્યા. વાજતેગાજતે શ્રીહરિની સવારી ધરમપુરમાંથી બહાર નીકળી રહી હતી. ઝરૂખામાં દર્શન કરતાં રાજમાતાનો પાલવ અશ્રુથી ભીંજાઈ ગયો હતો. જ્યાં સુધી શ્રીહરિનાં દર્શન થયાં ત્યાં સુધી રાજમાતા ઝરૂખામાં દર્શન કરતાં રહ્યાં. વિયોગની આકરી વેદનામાં અને રખેને શ્રીહરિની મૂર્તિ વિસરાઈ ન જાય તે માટે રાજમાતાએ અન્ન-જળનો ત્યાગ કરી દીધો. શ્રીહરિની મર્માળી મૂર્તિના અહોનિશ ચિંતવનમાં ડૂબેલા રહેતાં રાજમાતા કુશળકુંવરબાએ પંદરમાં દિવસે અવરભાવના દેહનો ત્યાગ કર્યો.
શ્રીહરિ પણ ધરમપુરથી નીકળ્યાં પછી જે જે ગામ વિચર્યા ત્યાં કુશળકુંવરબાના પ્રેમની, અનન્ય ભક્તિની, નિર્માનીપણાની વાત કરતા.
શ્રીહરિનાં પ્રથમ દર્શને જ એ મર્માળી મૂર્તિને અંતરમાં ઉતારીને રાજમાતા કુશળકુંવરબા પ્રેમલક્ષણાભક્તિનાં પ્રેરણામૂર્તિ બની રહ્યાં હતાં. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે રાજમાતા કુશળકુંવરબાનો ભક્તિભાવ ‘હરિલીલામૃત’ ગ્રંથના કળશ-૭ના વિશ્રામ-૩૨માં વર્ણવ્યો છે.
“ધન્ય કુશળકુંવરબાઈ રાણી જેની શાસ્ત્રમાં વાત લખાણી;
રાણીઓ બહુ થઈ અને થાશે, ગુણ આપના હંમેશ ગવાશે.
જ્યાં સુધી રાશિ-સૂર્ય આ ઠામ, રહેશે અવિચળ એનું નામ;
એના વંશમાં જન્મશે જેહ, ભાગ્યશાળી ગણાશે જ તેહ.
ધન્ય માતાપિતા પણ તેનાં, ધન્ય ધન્ય સાસરિયાં જેનાં;
કર્યો બે કુળ કેરો ઉદ્ધાર, ધન્ય ધન્ય એનો અવતાર.
હરિજન અવતાર જ્યાં ધરે છે, સ્થિતિ કરી જે સ્થળ માંહી તે ઠરે છે;
અવની અધિક ધન્ય તે ગણાય, કુળ પણ તેહ પવિત્ર બેય થાય,”
શ્રીજી મહારાજે લોયાના ૩જા વચનામૃતમાં મહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળા ભક્તોની વાત કરતા ધરમપુરના કુશળકુંવરબાને યાદ કરી રાજીપો દર્શાવ્યો છે. તેમને ભક્તિ મહાત્મ્યજ્ઞાને સહિતની હતી તેવું પ્રમાણ કરી આપ્યું છે.
જીવનપ્રાણ બાપાશ્રીએ પણ પહેલા ભાગની ૫૬મી વાતમાં કુશળકુંવરબાનું જીવનવૃતાંત પોતાના સ્વમુખે વર્ણવી છે. તેમના આગ્રહની પણ વાત કરી સૌને પ્રેરણા આપી છે.
કુશળકુંવરબાનું પ્રેમલક્ષણાભક્તિભર્યું જીવનદર્શન કરી આપણે પણ મળેલા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના મહાત્મ્યસભર થઈ પ્રેમલક્ષણા ભક્તિ કેળવીએ.
|