Essay
 
રાજમાતા કુશળકુંવરબા-૪
Date : 2013-08-05
 

 

શ્રીહરિ પાંચ દિવસના રોકાણના સંકલ્પથી ધરમપુર પધાર્યા હતા, પરંતુ ‘પ્રેમીજનને વશ પાતળિયો’ એવા મહાપ્રભુ કુશળકુંવરબાના પ્રેમને વશ થયા વિના કેમ રહે? શ્રીહરિએ રાજમાતા કુશળકુંવરબાની પ્રાર્થનાનો સ્વીકાર કરી એક મહિનો રોકાઈ, સૌને સુખિયા કરવાનો સંકલ્પ કર્યો.

        શ્રીજીમહારાજે ભગુજીને ગઢપુર મોકલ્યા અને ગુજરાતના અન્ય પ્રાંતમાં વિચરણ કરતા સંતોને ધરમપુર તેડાવ્યા. શ્રીહરિના સમાચાર મળતાં સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી, સદ્. નિત્યાનંદ સ્વામી આદિક સંતમંડળે સહિત ધરમપુર પધાર્યા. ધરમપુર તથા સુરતના હરિજનો રોજ શ્રીહરિની નવીન પૂજા કરી અમુલ્ય લ્હાવો લેતા. કુશળકુંવરબાનો રાજમહેલ તીર્થરૂપ બની ગયા હતો.

        કુંવર વિજયદેવજી દર અઠવાડિયે ધરમપુરમાં દેવસ્થાને દર્શને જતા. તેથી તેમણે અને રાણીએ શ્રીહરિને પ્રાર્થના કરી કે, “દેવસ્થાને પધારવાને મિષે આપ ભવ્ય સવારીમાં નગરયાત્રા કરો. ધરમપુરનાં સૌ નરનારીઓને આપના દિવ્ય દર્શનનું સુખ આપી સુખિયા કરો.” કુંવરની વિનંતી સ્વીકારી શ્રીહરિ જવા તૈયાર થયા.

        નગરયાત્રા માટે અદ્ભુત સવારી તૈયાર કરવી હતી. જરિયાની સાજથી ઘોડાં અને હાથી શણગાર્યાં. શ્રીહરિ માટે હાથી ઉપર પાલખી અને છત્ર તૈયાર કર્યું. શ્રીહરિ હાથી પર બિરાજ્યા અને સવારી નગરમાં આગળ વધી ત્યારે શ્રીહરિની સવારી આગળ વાજિંત્રો વાગતાં હતાં. નૃત્યકારો નૃત્ય કરતા હતા. ચોપદારો(છડીદારો) હાથમાં સોનાની છડી લઈ ઉંચે અવાજે ‘જય જય’ એમ બોલતા હતા. શ્રીહરિની સવારી બજારમાં જ્યાં જ્યાં નીકળે ત્યાં બધા પુષ્પ હારથી પૂજન કરી, પુષ્પવૃષ્ટિ કરતા. રાજાના દીવાન મોરપીંછથી શ્રીહરિને ચમર ઢોળતા હતા. ધરમપુરનાં પ્રજાજનો કીડિયારાની જેમ શ્રીહરિનાં દર્શને ઊમટ્યાં હતાં. મહેલના ઝરૂખા, અગાસીઓ, અટારી ખીચોખીચ ભરાઈ ગયાં હતાં.

        કુંવર વિજયદેવજીએ શ્રીહરિને રાજી કરવા અશ્વ ખેલાવાની પ્રાર્થના કરી. શ્રીહરિએ રાજી થઈ પરવાનગી આપી. કુંવર વિજયદેવજીએ પોતાનો ઉચ્ચૈશ્રવા જેવો અશ્વ મંગાવ્યો અને તેની ઉપર અસવારી કરી, ઘોડાને દોડાવી ખુબ ચપળતાથી ખેલાવ્યો. દોડતા ઘોડાએ બંદુકનો અવાજ કરી જમીન પર પડેલી વસ્તુ વેગથી લઈ લેતા.દોડતા ઘોડે નિશાન પાડ્યું. વળી, બે ઘોડા જોડે દોડાવ્યા. બેય ઉપર એક-એક પગ રાખી, હાથમાં તીર રાખી દોડતે ઘોડે નિશાન પાડ્યું. કુંવર વિજયદેવજીની આવી કળા જોઈ શ્રીહરિ અત્યંત રાજી થયા અને આશીર્વાદ આપ્યા.  

        ત્યાંથી પાછા વળતાં સવારી ધરમપુરના પૂર્વ દરવાજા તરફ આવી. દરવાજા બહાર એક ફૂલવાડી હતી જેમાં કુંવર વિજયદેવજીના પિતાશ્રી ધર્મદેવે બંગલો બનાવ્યો હતો. ત્યાં પધરામણી કરવા રાજમાતાએ પ્રાર્થના કરી. શ્રીહરિ સંતો-હરિભક્તોએ સહિત બંગલામાં પધાર્યા અને બંગલાની અદ્ભુત રચના જોઈ રાજી થયા. રાજમાતાને પણ બંગલામાં કરેલો ખર્ચ આજે શ્રીહરિની પધરામણી થતાં લેખે લાગ્યો તેમ થયું.

        એક દિવસ શ્રીહરિ રાતના સમયે સભા કરીને બિરાજ્યા હતા. ધૂન-આરતી થઈ. શ્રીહરિ ઊંચે પાટ પર બિરાજ્યા હતા અને સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્. પ્રેમાનંદ સ્વામી અને સદ્. દેવાનંદ સ્વામી વગેરે સંતો સરોદા-તાલ ઇત્યાદિક લઈને કીર્તનગાન કરતા હતા. કુંવર વિજયદેવજી શ્રીહરિની પાસે બેઠા હતા ત્યારે રાજના ગવૈયાઓ વિવિધ પ્રકારનાં શ્રીમંડળ, જળતરંગ જેવાં વાજિંત્રો લઈને આવ્યા. તેઓ જાતજાતના રાગ-રાગિણીથી ગાવા માંડ્યા, ધ્રુવપદનું ગાન કર્યું. કુંવરે પણ તેમનાં વખાણ કર્યાં કે, “આટલા સો કોશના વિસ્તારમાં આવા કોઈ ગાયક નથી.” પોતાનાં સોનાના કડાં ગાયકને આપ્યાં અને દરેક ગાયકને સો-સો રૂપિયા ઈનામ આપ્યું.

        પછી શ્રીહરિએ ‘સત્સંગ એ સાચી સમજણનું મૂળ છે’ એમ કથાવાર્તા કરી પછી શ્રીહરિએ ગવૈયાઓને કહ્યું કે, હવે અમારા સંતો ગાન કરશે અને તમે વાજિંત્ર વગાડો. એમ કહી શ્રીહરિએ સદ્. દેવાનંદ સ્વામીને ગાવાની આજ્ઞા કરી. સદ્. દેવાનંદ સ્વામી મારતે તાલમાં કનડા રાગનું પદ ગાવા લાગ્યા. ‘નદિયા નદિયા..’ અને ‘સબરીતું ચંદ છીપાએ...’ એ પદ ગાયાં ત્યારે દોકડ વગાડનારને તાલની ગમ રહી નહીં. સદ્. દેવાનંદ સ્વામીએ બે પદ પુરા કર્યાં ત્યાં તો ગાયકો વાહ..વાહ.. પોકારી ઉઠ્યા. શ્રીહરિ સદ્. દેવાનંદ સ્વામી ઉપર અત્યંત રાજી થયા અને પ્રસાદીની શ્વેત ડગલી આપી. મોડી રાત વીતી ગઈ હતી તેથી હવે ગાવણું રાખી સૌ પોઢવા પધાર્યા.

        સૌ પોઢી ગયા પછી શ્રીહરિ જગ્યા અને બ્રહ્મચારીને બૂમ મારીને કહ્યું, ”બ્રહ્મચારી! અમે ગાન સાંભળવામાં જમવાનું પણ ભૂલી ગયા માટે અમને અત્યારે ખુબ ભૂખ લાગી છે; જલ્દી જમવાનું લાવો.” બ્રહ્મચારીએ કહ્યું, ”મહારાજ! અત્યારે ક્યાં મેળ પડશે? ક્યાંથી લાવું?” મહારાજે કહ્યું, ”બ્રહ્મચારી! તમે રાણીવાસમાં જાવ. ત્યાં રાજમાતા જાગતાં જ હશે.”

        બ્રહ્મચારી દોડતા રાણીવાસમાં ગયા તો હજુ ત્યાં દીવો બળતો હતો. રાજમાતા જીવુબા આદિક બાઈઓનો સમાગમ કરીને હજુ હમણાં જ આવ્યાં હતાં. બ્રહ્મચારીએ રાણીવાસનો દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખોલતાં જ, અચાનક બ્રહ્મચારીને આવેલા જોઈ રાણીબાએ તરત પૂછી લીધું કે, ”બ્રહ્મચારી! બોલો, કેમ આવવું થયું? શું જોઈએ છે?” બ્રહ્મચારીએ કહ્યું, ”મહારાજને ખુબ ભૂખ લાગી છે માટે કંઈક જમવા આપો.”

        રાજમાતા કુશળકુંવરબા તો રાજીનાં રેડ થઈ ગયાં. થોડી વારમાં તો ગરમાગરમ બાજરાના રોટલા ઘડી કાઢ્યા. માંહી ઝાઝું ઘી ભર્યું. એક થાળમાં રોટલો, ગોળ, અથાણું લીધાં. શ્રીહરિને જમાડવા કાજે પોતે થાળ હાથમાં લીધો. સાથે દહીંની માટલી લેવડાવી. રાજમાતાએ અંતરના કોડથી શ્રીહરિને ભાવે કરી થાળ પીરસ્યો અને જમાડ્યા. મધ્યરાત્રિના બે વાગે આજે મહાપ્રભુ પ્રેમી ભક્તના પ્રેમને આરોગી રહ્યા હતા. શ્રીહરિએ દહીંને રોટલો ખૂબ જમાડ્યાં. રાજમાતા તો શ્રીહરિની જમાડતી મરમાળી મૂર્તિને પોતાના અંતરમાં ઉતરતા રહ્યા અને રાજીનાં રેડ થઈ ગયાં. શ્રીહરિને જમાડીને પોઢાડયા પછી રાજમાતા પોતાના આવાસે ગયાં.

        બીજા દિવસે કુશળકુંવરબાના ભાઈ ધરમપુરમાં રહેતા હતા, તેમને ઘરે પધારવા રાજમાતાએ અને તેમના ભાઈએ પ્રાર્થના કરી. શ્રીહરિ સંતો-હરિભક્તો સાથે તેમના ભવને પધાર્યા અને સુખ આપ્યું. કુશળકુંવરબાના ભાઈએ શ્રીહરિને રાજી કરવા સંતોને ધોતિયાં ઓઢાડ્યાં. શ્રીહરિની પૂજા કરી તેમની આગળ સોનાની ગીનીઓ તથા રત્નોના થાળ ભરી મુક્યા. શ્રીહરિને સુવર્ણનો મુગટ અર્પણ કર્યો અને ષોડશોપચારથી પૂજન કર્યું.

        પછી શ્રીહરિ સંતો-ભક્તો અને કુંવર વિજયદેવજી સહિત નદીએ સ્નાન કરવા પધાર્યા. નદીમાં સ્નાન કર્યા પછી નદીના સામા કાંઠે સરસ ઝાડી જોઈ એટલે શ્રીહરિએ સંતોને કહ્યું, ”સંતો! આ જગ્યા તપ કરવા જેવી છે. અહીં કંદમૂળનો આહાર મળી જશે અને શાંતિથી પ્રભુનું ભજન થશે.” ત્યારે સંતોએ હાથ જોડી પ્રાર્થના કરી કે, ”હે મહારાજ! તમે મળ્યા પછી હવે અમારે વનમાં ભટકવું પડે તેમ નથી. તમે હવે ખુબ દયા કરી છે.” એમ શ્રીહરિ અને સંતોએ રમૂજ કરી સૌને ખુબ સુખ આપ્યું. કુંવર વિજયદેવજી પણ રાજમાતાને આવી સઘળી લીલા વર્ણવતા ત્યારે રાજમાતા પણ અતિશે હર્ષાયમાન થઈ લીલામાં ગરકાવ થઈ જતાં.

        રાજમાતા જયારે જયારે શ્રીહરિનાં દર્શનનો, સમાગમનો લાભ મળે ત્યારે ચૂકતાં નહીં. તેમની નિરંતર વૃતિ શ્રીહરિમાં જ ખૂંપેલી રહેતી, અખંડ શ્રીહરિનું જ ચિંતવન કર્યાં કરતાં. એક દિવસ શ્રીહરિ બિરાજ્યા હતા ત્યારે કુશળકુંવરબાએ દાસભાવે હાથ જોડી પૂછ્યું કે, ”પ્રભુ! આપે ગઢપુરથી પત્ર લખ્યો હતો તેમાં અનિર્દેશથી લિખાવીતંગ એવું લખ્યું હતું તે ‘અનિર્દેશ’ તે શું છે?”

        શ્રીહરિ રાજમાતાની નિર્દોષતા, ભક્તિભાવ અને જ્ઞાનપિપાસાં જોઈ રાજી થઈ ગયા અને કહ્યું, ”સાંભળો, હે રાજમાતા! આ તમારો મહેલ તે નિર્દેશ કેહવાય અને ધરમપુરનું વિસ્તરેલું રાજ્ય તે અનિર્દેશ કહેવાય તથા આગળ રાજ તે નિર્દેશ કહેવાય અને પૃથ્વી અનિર્દેશ કહેવાય. જળની આગળ પૃથ્વી નિર્દેશ અને જળ અનિર્દેશ કહેવાય. એવી રીતે મૂળઅક્ષર સુધીનું સર્વે નિર્દેશ કહેવાય અને તેથી પર અમારું અક્ષરધામ તે અનિર્દેશ કહેવાય. અમે અમારા અક્ષરધામમાં રહ્યા થકા તમને પત્ર લખ્યો હતો.”

        શ્રીહરિ રાજમાતાને પોતાનું અનિર્દેશ એવું અક્ષરધામ સમજાવતા રહ્યા અને એ દરમ્યાન રાજમાતા શ્રીહરિની દિવ્યમૂર્તિને અનિમેષ નજરે નિહાળતાં રહ્યાં.

        શ્રીહરિએ રાજમાતાને અપાર સુખ આપ્યું અને ધરમપુરમાં અનેકાનેક લીલાઓ કરી તેને ક્રમશઃ જોઈશું...

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno