Essay
 
રાજમાતા કુશળકુંવરબા-૩
Date : 2013-07-08
 

 

              સંવત ૧૮૭૨નો કાર્તિક સુદ ૧૧નો સમૈયો પૂર્ણ કરી શ્રીજીમહારાજે સંતો-હરિભક્તોના સંઘે સહિત ધરમપુર તરફ પ્રયાણ કર્યું. શ્રીજીમહારાજ વડતાલ થઈ ધરમપુર તરફ આગળ વધ્યા. જોડે વિપ્રોમાં નાનાભાઈ ભટ્ટ, ભાણેજ નથુભાઈ, મુકુંદાનંદ તથા જયાનંદ વર્ણી શ્રીહરિની સેવામાં હતા. સદ્દ. આનંદાનંદ સ્વામી, પરમચૈતન્યાનંદ સ્વામી, સંન્યાસી પદ્દમનાભાનંદ સ્વામી, સેવાનંદ સ્વામી આદિક સંતો તથા મોટેરા સંતોને સાથે લઈ શ્રીહરિ ગામ ચોકારી તરફ આગળ વધ્યા. શ્રીહરિની જોડે ભગુજી, રતનજી, તખાપગી, જુઆજી, વસ્તાખાચર આદિક હરિભક્તો હતા તથા બાઈઓમાં મોટેરાં એવાં જીવુબા, મણિબાઈ, મોટા રામબાઈ, ઝમકુબાઈ, અમૃતબાઈ, આદિક પાંચ બાઈઓ પણ હતાં. શ્રીહરિ ગવાસદ, દોરા, માતર, સુકોદરા આદિક ચરોતરનાં ગામોમાં વિચરણ કરતાં નર્મદા પાર કરી મણીપુર રાત રહ્યા. ત્યાંથી આગળ સુરત થઈ પણજ પધાર્યા. શ્રીજીમહારાજે આગળ ધરમપુર સમાચાર મોકલ્યા કે અમો સંઘે સહિત ધરમપુર આવીએ છીએ.

       ધરમપુરમાં કુંવર વિજયદેવને શ્રીહરિના પધારવાના સમાચાર મળતાં તેમણે ભારે ઉત્સાહથી તૈયારીઓ ચાલુ કરાવી. થોડી વારમાં શ્રીજીમહારાજ સંતો-હરિભક્તોના સંઘે સહિત પોષ વદ દશમે ધરમપુરની ભાગોળે પધાર્યા. અઢાર વર્ષના નવયુવાન કુંવર વિજયદેવજીએ ભારે દબદબાપૂર્વક શ્રીહરિનું સામૈયું કર્યું. શ્રીજીમહારાજના ચરણમાં મસ્તક નમાવી હાથી ઉપર અંબાડીમાં બિરાજવા વિનંતી કરી. શ્રીજીમહારાજ હાથી ઉપર બિરાજ્યા. સવારીમાં પાલખીઓ, ઘોડા, હાથી, ડંકા, નોબતો તથા વિવિધ પ્રકારનાં વાજાં વાગતાં હતાં. ચતુરંગી સેના હતી અને તોપો ફૂટતી હતી. ‘સત્સંગી જીવન’ ગ્રંથમાં આ સવારીના માટે લખેલ છે કે વાજિંત્રોના અવાજથી કેટલાકના કાન બહેરા થઈ ગયા હતા. ધરમપુરના રસ્તાઓ પર ચંદનજળ છંટાવ્યું હતું. ઘેર ઘેર જળપૂરિત ઘડાઓ શોભામાં મૂક્યા હતા. ગલીઓ, અટારીઓ, ઓશરીઓ વગેરે દર્શનાર્થીઓથી ભરાઈ ગઈ હતી. ચારે બાજુ જયજયકારના નાદ ગુંજી રહ્યા હતા. કુંવર વિજયદેવજી શ્રીહરિની બાજુમાં બેસી ચમર ઢોળતા હતાં. રસ્તા ઉપર અડધી કોશ (૧ કોશ = દોઢ માઈલ) સીધી કતારમાં સૌ નર-નારી ઊભાં હતાં. રસ્તા ઉપર શ્રીહરિની જમણી બાજુ બધા પુરુષો ઊભા હતા અને ડાબી બાજુ છેટે સ્ત્રીઓ દર્શન માટે ઊભી હતી. ધરમપુરની પ્રજાનો આવો વિવેક જોઈ શ્રીજીમહારાજ અત્યંત રાજી થયા.

       આ દિવસે કુશળકુંવરબાઈ ધરમપુરથી પંદર કોશ દૂર વાંસદા ગમે તેમનાં ભત્રીજી જીતબા ઘણાં બીમાર હતાં તેથી ખબર જોવા માટે ગયાં હતાં. શ્રીહરિ ધરમપુર પધારે છે એવા સમાચાર મળતાં કુશળકુંવરબા તાબડતોબ ધરમપુર આવવા નીકળી ગયાં. એક ઘડીમાં બે કોશ ચાલે તેવાં મ્યાનો ઉપાડનારા માણસો સાથે કુશળકુંવરબાઈએ ધરમપુર તરફ પ્રયાણ કર્યું. બે-બે ગાઉએ અગાઉથી બીજા મ્યાનો ઉપાડનારા તૈયાર રાખવા ઘોડેસવાર મોકલ્યા. એમ કુશળકુંવરબાઈ સાંજ ઢળતા પહેલાં ધરમપુર આવી ગયાં. એ વખતે સવારી હજુ નગરમાંથી રાજભવન તરફ આવી રહી હતી.

       કુશળકુંવરબા ઝટપટ મહેલના ઝરૂખામાં પહોંચી ગયાં. એંસી વર્ષનાં એ વૃદ્ધ રાજમાતામાં આજે જાણે યૌવનનું નૂર ઝળકતું હતું. દર્શનની તીવ્ર પ્યાસે દેહનું ભાન ભુલાવી દીધું હતું. દૂરથી હાથીની અંબાડી ઉપર બિરાજેલા શ્રીહરિનાં દર્શન થતાં એ મર્માળી મૂર્તિમાં રાજમાતા ખોવાઈ ગયાં. જગતની વિસ્મૃતિ થવા માંડી. આંખના પલકારા સ્થિર થઈ ગયા અને હૈયું આનંદથી પુલકિત થઈ ગયું. જીવ અને જીવનના મિલનની અનોખી ઘડી નજીક આવી રહી હતી.

       સવારી રાજભવનમાં આવી, હાથી ઝૂક્યો અને શ્રીહરિના દિવ્ય ચરણથી રાજમહેલ પાવન થઈ ગયો. ઘડીના છઠ્ઠા ભાગમાં મહેલના ઝરૂખામાં બેઠેલાં રાજમાતા દોડતાં નીચે આવ્યાં અને શ્રીહરિના ચરણોમાં ઢળી પડ્યાં. આંખમાં હર્ષનાં આંસુની નદીઓ વહેવા માંડી. દેહ અને મનની સૂધ-બૂધ હરાઈ ગઈ હતી. શ્રીજીમહારાજે કાંડું ઝાલી રાજમાતાને ઊભાં કર્યાં. ચાર આંખોના મિલને અદ્દભુત દ્રશ્ય ખડું કરી દીધું. રાજમાતાનું હૈયું આનંદથી છલકાઈ રહ્યું હતું.

       કુશળકુંવરબાએ રાજદ્વારે ભવ્યતાથી શ્રીહરિનું સ્વાગત કુંવર વિજયદેવજી તથા કારભારીઓ પાસે કરાવ્યું. શ્રીહરિની પરિચર્યામાં લગારેય કસર રહેવા ના દીધી. સંઘમાં પધારેલા સંતો-હરિભક્તોના પણ ઉતારા ગોઠવાયા. જીવુબા આદિક બાઈઓના ઉતારા રાણીવાસમાં જ રખાવ્યા.

       રાજમહેલમાં શ્રીહરિને પધરાવી કુશળકુંવરબા અતિ ભાવપૂર્વક દર્શન કરી રહ્યાં અને શ્રીહરિને કહ્યું કે, “આજ તો મારા પ્રાણનો પ્રાણ આપ સર્વોપરી ભગવાન મારે ઘેર પધારી મારા પર અઢળક ઢળ્યા છો. વ્હાલા આપની રાહ જોતા જોતા મારે એક વર્ષ કાઢવું અતિ વસમું લાગ્યું છે. આપ આજે મળ્યા માટે મારું અત્યારસુધીનું આયખું નકામું ગયું. આજે મારું જીવન ધન્ય બન્યું.” ત્યારે શ્રીહરિ હસતા હસતા કહે, “રાજમાતા! અમે તમારે માટે જ અહીં આવ્યા છીએ, પણ જો આજ તમે વાંસદાથી પાછાં ન આવ્યાં હોત તો અમને ચાલી નીકળતાં કોઈ વાર લાગત નહિ.” ત્યારે રાજમાતા કહે, “મહારાજ! જો મને વહેલા સમાચાર મળ્યા હોત તો ક્યારેય વાંસદા જાત નહીં આટલું મારું ગાફલપણું.” ત્યારે શ્રીહરિ કહે, “જો જીતબાનું મૃત્યું થયું હોત તો તમે શું કરત?” ત્યારે રાજમાતા કહે, “હે મહારાજ! મેં આપનાથી અધિક વ્હાલું કોઈ રાખ્યું નથી, હું તો જીતબાને છોડીને ચાલી નિસરત.” રાજમાતાનો આવો અનન્ય ભક્તિભાવ અને નિષ્ઠા જોઈ શ્રીજીમહારાજ અત્યંત રાજી થયા.

       શ્રીજીમહારાજે કુશળકુંવરબાને રામાનંદ સ્વામી વખતના જૂના સંતો સાથે લાવેલા તેમનો અને અન્ય મોટેરા સંતોનો ખૂબ મહિમા કહ્યો. જીવુબા તથા અન્ય બાઈઓની પણ ઓળખાણ કરાવી. કુશળકુંવરબા પણ સર્વે અવતારના શ્રીહરિ અવતારી છે, સર્વોપરી છે, એવો જે મહિમા સમજતાં હતાં તે કહ્યો. પછી મહારાજને પ્રાર્થના કરી કે, “હે મહારાજ! આપ તો અંતર્યામી અને ભક્તોના સ્વામી છો તો હવે પછી મારે ફરી ક્યારેય જન્મ-મરણરૂપી સંસારના સંકટનો રોગ ના રહે એવી દયા કરો. હવે મારી નાડી આપના હાથમાં છે. આજથી તમે જ મારા ખરા વૈદ્ય થયા છો. માટે મને આજે એવું ઔષધ આપો કે હવે પછી ક્યારેય આપનો વિયોગ ન થાય.” ત્યારે શ્રીજીમહારાજ રાજી થઈ બોલ્યા કે, “રાજમાતા! એવું ઔષધ આપવા તો અમે આપના પ્રેમથી ખેંચાઈને અહીં આવ્યા છીએ. અમારા સિવાય આ પિંડ અને બ્રહ્માંડમાં જે  કંઈ નામ અને રૂપ છે તે બધાંમાં સંસાર સંકટરૂપી રોગનું બીજ રહ્યું છે. અમારે તમને જ્ઞાન આપી તે બધાં બીજનો નાશ કરવો છે, માટે અમે જે જે વાત કરીએ તેને તમે હૃદયમાં ધારી લેજો.”

       શ્રીજીમહારાજે ગુજરાતના અન્ય પ્રાંતમાં વિચરતા સંતોને પણ ધરમપુર બોલાવ્યા અને કુશળકુંવરબાનો રાજમહેલ જાણે તીર્થરૂપ બની ગયો. શ્રીહરિ નિત્ય નવી લીલાઓ કરે. રોજ નવા નવા સામૈયા-ઉત્સવો ઊજવાય. રાજમાતા કુશળકુંવરબા, કુંવર વિજયદેવજી અને અન્ય રાજના મોટા કારભારીઓએ શ્રીજીમહારાજનો અત્યંત લાભ લીધો અને શ્રીજીમહારાજે પણ તેમને અત્યંત સુખ આપ્યું તે ક્રમશ: આગળ જોઈશું. 

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno