Essay
 
રાજમાતા કુશળકુંવરબા – ૧
Date : 2012-12-02
 

વિક્રમ સંવત ૧૯૫૪-૫૫ના અરસાની આ વાત છે. એ સમયે ભારતમાં રાજાશાહી હતી.ભારતમાં બહુધા મુઘલ બાદશાહનું સામ્રાજ્ય છવાયેલું હતું. ક્યાંક મરાઠા કે દરબાર રાજાઓ રજવાડા ચલાવતા હતા. ગુજરાતમાં પણ છૂટા છવાયા દરબારી રજવાડા હતા. એ વખતે  ગુજરાત રાજ્યના દંઢાવ્ય પ્રાંતના અડાલજ ગામમાં અમરસિંહ નામે રાજાનું રાજ હતું. તેમને સંગ્રામજીત નામે દીકરો અને રૂડબાઈ નામે દીકરી હતાં. રૂડબાઈના નામ એવા તેમનામાં રૂપ અને ગુણ હતાં. તેઓ બાલ્યાવસ્થાથી જ ભક્તિમય હતાં અને નિયમ-ધર્મ તથાવ્રત-ઉપવાસનાં ખૂબ જ આગ્રહી હતાં.

દિલ્હીના મુઘલ બાદશાહ જહાંગીર રૂડબાઈનાં રૂપ-ગુણ વિષે વાત સાંભળી તેમને વરવા તૈયાર થયા. બાદશાહ જહાંગીર મોટી ફોજ સાથે દિલ્હીથી અડાલજ આવ્યા અને અમરસિંહ આગળ દીકરીનાં લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. જો રાજા દીકરીનાં લગ્ન માટે તૈયાર ન થાય તો પોતે યુદ્ધ કરવા તૈયાર થયા. અમરસિંહના રાજકુંવર સંગ્રામજીતની જહાંગીર સાથે હાર થઈ તેથી તે રૂડબાઈને પોતાની સાથે લઈ જવા તૈયાર થયા. રૂડબાઈને મુસલમાન રાજા સાથે જવાની ઇચ્છા ન હતી પરંતુ એ વખતે જે રાજા યુદ્ધમાં હરે તેને જીત મેળવનાર રાજા ના હુકમ મુજબ ફરજીયાતપણે રહેવું પડતું તેથી રાજના નિયમ પ્રમાણે તેમને જવાની ફરજ પડે તેમ હતી.

રૂડબાઈ અસહાય હતા. બાદશાહ આગળ તે કંઈ કરી શકે તેમ નહોતા તેથી તેમણે બાદશાહને યુક્તિપૂર્વક વિનંતી કરી કે, “નામદાર! હું આપની સાથે આવવા માટે તૈયાર જ છું. પરંતુ એ પહેલાં મારે નામના કરાવવી છે. એટલે કે અમારા આ અડાલજ ગામમાં મનુષ્યો, પશુ-પંખીઓ પાણીના ત્રાસથી ખૂબ દુ:ખી થાય છે. માટે સૌની પ્યાસ બુઝાવી આપની ઇચ્છા પૂર્ણ કરીશ.”

બાદશાહ જહાંગીરે રૂડબાઈની શરત મંજૂર રાખી અને તે માટે જરૂરી તમામ ખર્ચા પૂરા પાડવાનું ફરમાન કર્યું. રૂડબાઈએ પ્રસિદ્ધ કલા-કારીગરોને બોલાવ્યા અને પથ્થરની વિશાળ વાવ બાંધવાનું કાર્ય આરંભ્યું. વાવના કામમાં પથ્થર લાવવા માટે વપરાયેલ ગાડાના ઊંજામણના એરંડિયાનો (દિવેલનો) ખર્ચ એક લાખ રૂપિયા થયો. એટલા પથ્થર વાવમાં વપરાયા હતા. અડાલજની વાવ બાંધવાનું કામ ૪૪ વર્ષ ચાલ્યું. રૂડબાઈએ વાવ બંધાવી પ્રભુને પ્રાર્થના કરતાં મનોમન સંકલ્પ કર્યો કે, “ભગવાન ને ભગવાનના ભક્ત આ વાવમાં સ્નાન કરે અથવા પાણી પીવે તો મને પુણ્ય મળે અને મને પ્રગટ ભગવાનનો યોગ થાય.”

સંવત ૧૮૬૮માં શ્રીજીમહારાજ દંઢાવ્ય દેશમાં વિચરણ માટે પધાર્યા હતા. રૂડબાઈનો સંકલ્પ પૂરો કરવા માટે મહારાજ વિચરણ કરતા કરતા અડલજ ગમે પધાર્યા. ૩૧૨ વર્ષ પછી શ્રીહરિએ સંતો-હરિભક્તો સહિત અડાલજની વાવમાં સ્નાન કરી જળ ધરાવ્યું. ત્યારબાદ સદ્. નિષ્કુળાનંદ સ્વામી પાસે વાવ ઉપર લગાવેલ શિલાલેખ વંચાવ્યો. રૂડબાઈએ પ્રગટ ભગવાનને મેળવવા કરેલી પ્રાર્થનાનો મહાપ્રભુએ સ્વીકાર કર્યો અને આશીર્વાદ વરસાવ્યા કે, “આ વાવ કરાવનાર બાઈ, વાવ બાંધનાર-ખોદનાર મજૂરો-કારીગરો તથા તેના કામમાં આવેલા પશુઓનું પણ કલ્યાણ કરીશું. અરે અહીં વાવ કરતા જે કીડી-મકોડા કે જીવજંતુ મર્યા હશે તેનું પણ કલ્યાણ કરીશું.” પછી શ્રીજીમહારાજે અંતર્યામીપણે વાત કરી જે, “આ વાવ બાંધનાર રૂડબાઈ અત્યારે ધરમપુરમાં કુશળકુંવરબા નામે રાજ કરે છે. તેમને અમારા સંતો થકી સત્સંગ થશે અને આ ને આ જન્મે અમે તેમનું કલ્યાણ કરીશું.”

            કુશળકુંવરબાનો જન્મ ગુજરાતના ચરોતર પ્રદેશના ખેડા જિલ્લાના ધર્મજ ગામમાં પિતા કેસરસિંહને  ત્યાં થયો હતો. કેસરસિંહને બે સંતાનો હતાં. કુમાર ઉમેદસિંહ અને કુંવરી કુશળકુંવરબા. તેમની બાલ્યાવસ્થાથી જ તેમના પૂર્વના બલિષ્ઠ સંસ્કારો જણાઈ આવતા હતા. આખો દિવસ ભગવાનની મૂર્તિ સાથે જ રમવું, પૂજા કરવી, આરતી કરવી આવી ભગવાન સંબંધી જ બાળસહજ રમતો રમતાં.

       કુશળકુંવરબાનાં લગ્ન ધરમપુરના સૂર્યવંશી રાજકુમાર સોમદેવસિંહ સાથે થયાં. સમયાંતરે કુશળકુંવરબાને રૂપદેવસિંહ નામે કુંવર હતા. તેમનાં લગ્ન લેવાયાં અને તેમના ઘેર પણ કુંવર વિજયદેવનો જન્મ થયો. થોડા જ સમયમાં સોમદેવસિંહ અને રૂપદેવસિંહ બંને ધામમાં ગયા. બાળકુંવર વિજયદેવસિંહની ઉંમર નાની હતી. તેથી તેમને ગાદી ઉપર બેસાડ્યા. પરંતુ સમગ્ર રાજ્ય ચલાવવાની જવાબદારી કુશળકુંવરબાના શિરે આવી.

       રાજમાતા કુશળકુંવરબા ખૂબ કુશળતાથી રાજ્યવહીવટ ચલાવતાં. સાથે પુત્ર વિજયદેવને પણ રાજનો કારભાર શીખવતાં હતાં. વિજયદેવજી રાજ્યના કારભાર માટે યોગ્ય જણાતાં રાજમાતાએ સઘળી જવાબદારી તેમને સોંપી દીધી. અઠવાડિયાનો એકાદ દિવસ રાજ્યના કામકાજ માટે ફળવતાં. બાકીનો સમય સંપૂર્ણ ભજન-ભક્તિમાં વ્યતીત કરતાં. રાજરાણી હોવા છતાં પ્રગટ ભગવાનને મેળવવા વનવાસી ઋષિઓને શરમાવે તેવું આકરું તાપ કરતાં. ‘સત્સંગી જીવન’ ગ્રંથમાં તેમના તપ માટે લખ્યું છે કે, “રાણીએ કેવું તપ કર્યું તો ‘કૃશ કૃત તણું રુધિર’ એટલે કે પ્રગટ ભગવાનને મેળવવા રાણીએ તપ કરીને દેહને સૂકવી નાખ્યો હતો.

       નિત્ય ભગવદ્ વાર્તાનું શ્રાવણ થાય તે માટે કુશળકુંવરબાએ રાજ્યમાં જ એક વિદ્વાન બ્રાહ્મણને રાખી લીધા હતા. વિદ્વાન બ્રાહ્મણ નિત્ય ભગવાન સંબંધી જ્ઞાનવાર્તા કરે. એક દિવસ રાજમાતા નિત્યક્રમ મુજબ બ્રાહ્મણ પાસે બેસી ભગવદ્ વાર્તા સંભાળતાં હતાં, અચાનક અંતરાત્મા જે પ્રગટ પ્રભુની ખોજ કરી રહ્યો હતો તે પોકારી ઊઠ્યો કે, “ગુરુદેવ! આપની કથામાં ભગવાન પ્રગટ થયા અને આસુરી તત્વોનો નાશ કર્યો તથા અનંત જીવનાં કલ્યાણ કર્યાં એવી વાતો તો આવે છે. પરંતુ શાસ્ત્રમાં કે આપના મુખે એવી વાત ક્યારેય નથી આવતી કે અત્યારે ભગવાન પ્રગટ છે. છતાંય આપ કહો છો કે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ છે તો એ ભગવાન કેવા છે? ક્યાં છે? બસ, હવે તો મારે આ દેહે કરીને પ્રગટ ભગવાનને મેળવવા છે. હવે એ પ્રગટ ભગવાનથી અલગપણું સહેવાતું નથી. પ્રગટ ભગવાન આવે અને મારું કાંડું ઝાલે તો જ મારો મોક્ષ થાય. ગુરુદેવ! આપને આ પ્રગટ ભગવાનનો ભેટો કરાવવા જ મહેલમાં આવકાર્યા છે. હવે કોઈ પણ રીતે મને પ્રગટ ભગવાનનો મેળાપ કરાવો. જો આ દેહે કરીને મને પ્રગટ ભગવાન ન મળે તો મનુષ્યદેહ મળ્યો શા કામનો?”

       કુશળકુંવરબાના પ્રશ્નનો કોઈ ઉત્તર વિદ્વાન બ્રાહ્મણ પાસે ન હતો. કારણ પોતે જ પ્રગટ ભગવાનને દીઠા નહોતા કે ભગવાન મળશે એવી કલ્પના પણ નહોતી. પરંતુ અતિ ઉત્સુક અને પ્રભુપ્યાસી એવાં રાણીબાના શ્રદ્ધાના દીપકને પ્રજ્વલિત રાખવા તેઓએ કહ્યું કે, “રાણીબા! આપનો પ્રગટ પ્રભુને મેળવવાનો ઇશક શુદ્ધ અને પવિત્ર છે. આપની લગન જોતાં મને લાગે છે કે આપને જરૂર આ જન્મે જ  પ્રગટ પ્રભુનો ભેટો થશે...... જરૂર થશે જ......

       વિદ્ધાન બ્રાહ્મણના આ શબ્દોમાં કુશળકુંવરબાને વિશ્વાસ બેઠો. તેઓ એવું માનતાં કે ભેખમાં ભગવાન હોય તેથી પોતાના રાજ્યમાં ધર્મશાળા બંધાવી અને શીરો પૂરીનું સદાવ્રત ચાલુ કર્યું. દરરોજ સંધ્યા સમયે રાજમાતા ધર્મશાળામાં જાય અને આગંતુક તીર્થવાસી, સાધુ-સંતો કે અન્ય અભ્યાગતોના ખૂબ ભાવથી શ્રદ્ધાપૂર્વક ચરણસ્પર્શ કરે. અંતરમાં એક જ વિચાર રમ્યા કરે કે ક્યારે મારા પ્રગટ પ્રભુ અહીં આવશે? દરેકમાં પ્રગટ પ્રભુને શોધ્યા કરે.

       અતિ મુમુક્ષુ અને પ્રભુપ્યાસી એવાં કુશળકુંવરબાની પ્યાસ બુઝાવવાનો શ્રીહરિએ કરેલો સંકલ્પ કેવી રીતે પૂરો થયો? તે ક્રમશ: જોઈશું.        

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno