ઉત્તર ગુજરાતનાં વિજાપુર નામના ગામની વાત છે. આ ગામના સથવારા જ્ઞાતિમાં પ્રાગજી સથવારાના ઘરે વજીબાઈનાં લગ્ન થયાં હતાં. વજીબાઈ બાલ્યાવસ્થાથી જ ખૂબ મુમુક્ષુ અને ભક્તિભાવવાળા હતા. વજીબાઈના અંતરમાં પ્રગટ પ્રભુને પામવાની ઇચ્છા નિરંતર રહેતી. ભેખમાં ભગવાન હોય એમ માની તેઓ ઘરઆંગણે જે કોઈ સાધુ-સંતો, બાવાઓ, તીર્થવાસીઓ આવે તેમની ખૂબ ભાવથી સેવા કરતા. તેમને એક જ તાન હતું કે, સાધુ-સંતો, બાવા કે અભ્યાગતના વેશમાં રખે ને ભગવાન મારા ઘેર આવી જાય તો !! એવા ભાવથી તેઓ અભ્યાગતની યથાશક્તિ ખૂબ સેવા કરતા. ભોજનની, ઉતારની કે કોઈ પણ સેવામાં બંને દંપતી તત્પર રહેતા. તેમના ઘેર બાવાઓની જમાત પડી પાથરી રહેતી. અફીણ, ગાંજા ને ચલમ ગગડાવતા ગમે તેવા બાવા હોય પણ તેમની સેવામાં તેઓ અલ્પ કસર પણ ન રાખતા. પોતાની બધી આવક સેવામાં ખર્ચી નાખતા.
|